પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
ગાંધીજીનો અક્ષરદેહ

નવરોજી, દાદાભાઈ (૧૮૨૫-૧૯૧૭) : આઘ હિંદી રાજનીતિજ્ઞ. ઘણી વાર એમને હિંદના દાદા અથવા મહાન વૃદ્ધપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ૧૮૮૬, ૧૮૯૩ અને ૧૯૦૬માં ત્રણ વખત કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. કૉંગ્રેસનું ધ્યેય સ્વરાજ અથવા સ્વતંત્રતા છે એ એમણે પ્રથમ વાર દર્શાવ્યું. ૧૮૯૩માં બ્રિટિશ પાર્લમેન્ટના સભાસદ બન્યા. પાર્લમેન્ટના સભાસદ તરીકે તથા લંડનની કૉંગ્રેસની બ્રિટિશ કમિટીના આગેવાન સભ્ય તરીકે હિંદની અને દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની બહુ ભારે સેવા કરી.

નાજર, મનસુખલાલ હીરાલાલ (૧૮૬૨-૧૯૦૬): તેજસ્વી હિંદી વિઘાર્થી, જેઓ ૧૮૯૬ના ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા જઈને વસ્યા. ૧૮૯૭માં એમને દક્ષિણ આફ્રિકાના હિંદીઓ માટે પ્રચાર કાર્ય કરવા પ્રતિનિધિ તરીકે ઇંગ્લંડ મોકલવામાં આવ્યા. નાતાલમાં જાહેર કાર્યમાં અને હિંદીઓના આંદોલનોમાં નેાંધપાત્ર ભાગ ભજવ્યો.

નોંદવેની : એક વાર ખાણોના કેન્દ્ર તરીકે જાણીતો થયેલો ઝૂલુલૅન્ડનો વિભાગ અને કસબો.

ન્યૂ કેસલ : નાતાલનું એક શહેર, કોલસો, મકાઈ, ઊન અને તંબાકુ માટે વિખ્યાત.

પાઈન ટાઉન: ડરબનથી ૧૭ માઈલને અંતરે આવેલો નાનો કસબો.

પિટરમેરિત્સબર્ગ: નાતાલનું મુખ્ય શહેર એને ટૂંકામાં પી. એમ. બર્ગ અથવા મેરિત્સબર્ગ પણ કહેવામાં આવે છે. ડરબનથી ૭૧ માઈલને અંતરે આવેલું છે. સાંસ્થાનિક ઓફિસનું કેન્દ્ર,

પોર્ટ ઇલિઝાબેથ : કેપ પ્રાન્તનું બીજા નંબરનું શહેર અને બંદર.

પ્રિટોરિયા : સંઘરાજ્યની વહીવટી રાજધાની; ડરબનથી ૫૧૧ માઈલને અંતરે આવેલું છે.

ફૉસેટ, હેન્ની (૧૮૩૩-૧૮૮૪): કેમ્બ્રિજમાં રાજનૈતિક અર્થશાસ્ત્રના પ્રોફેસર અને રાજનીતિજ્ઞ. પાર્લમેન્ટમાં તેઓ મોટે ભાગે હિંદના નાણાકીય અને આર્થિક સવાલો તરફ ધ્યાન આપતા.

બર્ન્સ, જૉન (૧૮૫૮-૧૯૪૩) : બ્રિટિશ પાર્લમેન્ટમાંના આગેવાન મજૂર પ્રતિનિધિ (૧૮૯૭– ૧૯૧૮) ૧૯૮૯ના લંડનની ગોદી હડતાળના દિવસોમાં કામદારોના મિત્ર તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા.

બર્ડવુડ, સર જયૉર્જ ક્રિસ્ટોફર મોલેસવર્થ (૧૮૩૨-૧૯૧૭) : હિંદમાં જન્મેલા. ૧૮૫૪માં મુંબઈ પ્રાંતની મેડિકલ સેવામાં અને પાછળથી લંડનની ઇન્ડિયા ઑફિસમાં ૩૦ વર્ષ રહ્યા. रिपोर्ट ऑन धि मिसेलेनियस ओल्ड रेकर्ड़्झ ऑफ धि इन्डिया ऑफिस (હિંદના દફતરના પરચૂરણ જૂના કરારપત્રો વિષેનો હેવાલ) અને धि इन्डस्ट्रियल आर्ट्स ऑफ इन्डिया (હિંદની અૌદ્યોગિક કળાઓ)ના લેખક.

બાર્બર્ટન: પ્રિટોરિયાથી ૨૮૩ માઈલને અંતરે આવેલું ટ્રાન્સવાલનું એક શહેર.

બિન્સ, સર હેન્રી (૧૮૩૭-૧૮૯૯) : ૧૮૯૩-૯૪માં નાતાલ સરકારે ગિરમીટિયા મજૂરો અંગેના કરારો સુધારવા માટે હિંદી સરકાર જોડે વાતચીત કરવા જે બે માણસોનું કમિશન મોકલ્યું હતું તેના સભ્ય. નાતાલ વિધાનસભામાંના રીતસર રચાયા વિનાના વિરોધપક્ષના આગેવાન, એસ્કમ્બના ઉત્તરાધિકારી નાતાલના મુખ્ય મંત્રી.

બૂથ, ડૉ. : ડરબનના સેઈન્ટ એઈડાન્સ કમિશનના વડા હિન્દીઓએ ઉઘાડેલી નાની ધર્માદા હૉસ્પિટલના નિરીક્ષક, ૧૮૯૯માં બોઅર યુદ્ધ દરમિયાન ડૉ. બૂથે હિંદીઓની એમ્બયુલન્સ ટુકડીને તાલીમ આપવામાં મદદ કરી હતી.

બેઈલ, સર હેન્રી : એક આગેવાન વકીલ અને નાતાલ વિધાનસભાના આગેવાન સભાસદ. તેઓ ૧૯૦૪ અને ૧૯૦૯માં નાતાલના વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર) બન્યા.