પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ગાંધીજીનો અક્ષરદેહ


એટલા માટે છેવટે તમારા અરજદારો ખરા હૃદયથી વિનંતી કરે છે અને વિશ્વાસપૂર્વક આશા રાખે છે કે જે સંસ્થાનને, જેની સામે વાંધો લેવામાં આવ્યો છે તે વ્યવસ્થા મંજૂર થયા સિવાય હિંદી વસાહતીઓનો પ્રવેશ ખપતો નહીં હોય તો તમો નામદાર ભવિષ્યમાં નાતાલમાં મજૂરો મોકલવાનું બંધ કરી દેવા અથવા ન્યાયી લાગતી એવી બીજી કોઈ રાહત આપવા મહેરબાની કરશો.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજી કાયમને માટે પ્રાર્થના કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ


[ મૂળ અંગ્રેજી ]
છાપેલી નકલની છબી પરથી



પ૭. નાતાલ ઈન્ડિયન કૅૉગ્રેસને પહેલો હેવાલ
ઓગસ્ટ, ૧૮૯૫


સ્થાપના

૧૮૯૪ની સાલના જુલાઈ મહિનામાં નાતાલ સરકારે ફ્રેન્ચાઈઝ લૉ અમેન્ડમેન્ટ બિલ (મતાધિકાર કાનૂન સુધાર વિધેયક) નામનું એક બિલ વિધાનસભામાં રજૂ કર્યું. એવું માનવામાં આવ્યું હતું કે સંસ્થાનમાંના હિંદીઓની ખુદ હસ્તી એનાથી જોખમમાં આવતી હતી. આ બિલને પસાર થતું રોકવાને કેવાં પગલાં ભરવાં જોઈએ તેનો વિચાર કરવાને મેસર્સ દાદા અબદુલ્લાની કંપનીના કંપાઉન્ડમાં સભાઓ ભરવામાં આવી હતી. બંને ધારાગૃહોને અરજીઓ મોકલવામાં આવી અને એના સભ્યોની મુલાકાત ડરબનથી પિટરમેરિત્સબર્ગ ગયેલા એક લોક-પ્રતિનિધિએ લીધી હતી. આમ છતાં બિલ બંને ધારાગૃહોમાંથી પસાર થઈ ગયું. જે અાંદોલન ચલાવવામાં આવ્યું હતું તેની અસર એવી થઈ કે બધા હિંદીઓને એક કાયમી સંસ્થાની સ્થાપના કરવાની પૂરી જરૂરિયાત સમજાઈ, જે સંસ્થાનની પહેલી જવાબદાર સરકારની હિંદીઓ સંબંધેની પ્રત્યાઘાતી સ્વરૂપની ધારાકીય કાર્યવાહીનો મુકાબલો કરશે અને હિંદીઓના હિતોનું રક્ષણ કરશે.

મેસર્સ દાદા અબદુલ્લાના કંપાઉન્ડમાં થોડી શરૂઆતની સભાઓ ભરાયા બાદ ઑગસ્ટની ૨૨મી તારીખે ભારે ઉત્સાહના વાતાવરણમાં નાતાલ ઈન્ડિયન કૉંંગ્રેસની વિધિસરની સ્થાપના થઈ. હિંદી કોમના બધા જ આગળપડતા સભ્યો કૉંંગ્રેસમાં જોડાયા. પહેલે જ દિવસે ૭૬ જેટલા સભ્યોએ લવાજમ ભર્યાં, એ યાદી ધીમે ધીમે ૨૨૮ સુધી પહોંચી. શ્રી અબદુલ્લા હાજી આદમ પ્રમુખ તરીકે ચૂંટાયા. બીજા આગળ પડતા સભ્યોને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. શ્રી મો. ક. ગાંધીને માનદ મંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા. એક નાની સમિતિ પણ રચવામાં આવી. પણ સંઘના બીજા સભ્યોએ કૉંંગ્રેસના શરૂઆતના દિવસોમાં સમિતિની સભાઓમાં હાજરી આપવાની ઇચ્છા પ્રદશિત કરવાથી સમિતિને અંદર અંદરની સમજથી બરખાસ્ત કરવામાં આવી અને સભાઓમાં બધા જ સભ્યોને આમંત્રણો અપાયાં.