પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ગાંધીજીનો અક્ષરદેહ

છાપાંઓમાં વખતોવખત પત્રો પણ આવવા લાગ્યા. પોસ્ટ ઑફિસોમાં યુરોપિયનો માટે તથા દેશીઓ અને એશિયાટિકો માટે જુદાં જુદાં પ્રવેશદ્વારો રાખવા સંબંધમાં માજી પ્રમુખશ્રીને સરકાર પત્રવ્યવહાર થયો હતો.

એનું પરિણામ તદ્દન અસાંતોષકારક નથી આવ્યું. હવે ત્રણે કોમો માટે અલગ અલગ પ્રવેશદ્વારોની વ્યવસ્થા કરવામાં આવશે. ગિરમીટ નીચેના હિંદીઓ વચ્ચે પણ કામકાજ કરવામાં આવ્યું છે. બાલાસુંદરમ પ્રત્યે એના માલિકે બહુ ખરાબ વર્તાવ રાખ્યો હતો. એની બદલી હવે મિ. એસ્કયૂને ત્યાં કરી દેવામાં આવી છે.

મોહરમના તહેવારો તથા કોલસાને બદલે લાકડાં પૂરાં પાડવા બાબતમાં, રેલવે ખાતાંના ગિરમીટિયા હિંદીઓ તરફથી કૉંગ્રેસે દરમિયાનગીરી કરી હતી. આ કામ ચલાવતા મૅજિસ્ટ્રેટે ઘણી સહાનુભૂતિ બતાવી હતી.

તુઓહીનો મામલો પણ ઉલ્લેખ કરવા લાયક છે. ઇસ્માઈલ આમદની હેટ જાહેર જગ્યામાં બળજબરીથી ખેંચી લેવામાં આવી હતી અને એમનું બીજી રીતે અપમાન કરવામાં આવ્યું હતું. ફેંસલો એમના પક્ષમાં આપવામાં આવ્યો હતો.

ખ્યાતિ પામેલા બેનેટ મામલામાં કૉંગ્રેસને સારોસરખો ખર્ચ થયો, પણ એટલું કહી શકાય કે એ પૈસા એળે નથી ગયા. આપણને મૅજિસ્ટ્રેટની વિરુદ્ધ ચુકાદો નહીં મળે એ વાત તો નિર્વિવાદ હતી. મિ. મોરેકમના વિરોધી અભિપ્રાય છતાં આપણે કોર્ટનો આશરો લીધો. પરંતુ, એનાથી સ્થિતિ ઘણી સ્પષ્ટ બની છે અને જો આ જાતનો મામલો ભવિષ્યમાં ઊભો થાય તો આપણે કેવી રીતે કામ લેવું તે હવે આપણે બરાબર સમજ્યા છીએ.

હિંદી પ્રશ્નને સંસ્થાનમાંના યુરોપિયનો તરફથી વિશેષ પ્રમાણમાં સક્રિય ટેકો નથી મળ્યો તોપણ હિંદ અને ઇંગ્લંડ બંને દેશેામાં ઘણી સહાનુભૂતિ પેદા થઈ છે.लंडन टाइम्स અને धि टाइम्स ओफ ईंडियाએ દક્ષિણ આફ્રિકાના હિંદીઓને સક્રિય ટેકો આપ્યો છે, હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસની બ્રિટિશ કમિટી ઘણી જાગ્રત રહી છે. સર ડબલ્યુ . ડબલ્યુ. હંટર, એમ. એ. વેબ, માનનીય ફિરોજશાહ મહેતા, માનનીય ફાજલભાઈ વિશ્રામ અને બીજાઓ તરફથી સહાનુભૂતિ દર્શાવતા પત્રો આવ્યા છે. બીજાં હિંદી અને અંગ્રેજી છાપાંઓએ આપણી ફરિયાદો તરફ રહેમનજર રાખી છે.

મિ. એસ્કયૂ કૉંગ્રેસની સભાઓમાં હાજરી આપનારા એકમાત્ર યુરોપિયન હતા, કૉંગ્રેસે હજી લોકો આગળ પોતાની રીતસરની જાહેરાત નથી કરી. કારણ કે જયાં સુધી એને પોતાના કાયમી અસ્તિત્વની ખાતરી કરાવવામાં નહીં આવે ત્યાં સુધી એ પ્રમાણે નહીં કરવાનું સલાહભર્યું મનાયું હતું. એણે પોતાનું કામ ખૂબ જ શાંતિથી કર્યું છે. માજી પ્રમુખ શ્રી અબદુલ્લા હાજી આદમ હિંદ જવા નીકળ્યા ત્યારે તેમને અપાયેલા માનપત્રનો નિર્દેશ કરીને કૉંગ્રેસના કામકાજનો હેવાલ સમાપ્ત થાય એ ઉચિત ગણાશે.

કૉંગ્રેસને મળેલી ભેટો

ભેટો ખૂબ જ જુદી જુદી જાતની અને મોટી સંખ્યામાં હતી. આ બાબતમાં શ્રી પારસી રુસ્તમજી સૌથી મોખરે છે, એમણે કૉંગ્રેસને ત્રણ દીવા, ટેબલકલોથ, ઘડિયાળ, દરવાજાનો પડદો, શાહીના ખડિયા, કલમો, બ્લૉટિંગ પેપર, ફૂલદાની એટલી ચીજો એાપી છે. એમણે આખું વર્ષ તેલ પણ પૂરું પાડયું છે. એમણે દરેક સભાના દિવસોએ સભાખંડ વાળવા અને તેમાં દીવાબત્તી કરવા પોતાના માણસોને અસાધારણ નિયમિતતાથી મોકલ્યા છે. એમણે કૉંગ્રેસને ૪,૦૦૦ પરિપત્રો માટેના કાગળો પણ આપ્યા છે. શ્રી અબદુલ કાદરે સભ્યોની યાદી છપાવી આપી છે.