પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
હિંદી મતાધિકાર

સ્વાર્થી વિચાર નથી? કેટલીક વાર હું આપના અગ્રલેખોમાં બહુ ઉમદા અને માનવદયાપ્રેરિત ભાવનાથી ભરેલા વિચારો વ્યક્ત થયેલા વાંચું છું. ગરીબ બિચારા હિંદીના કમનસીબે, જ્યારે આપ હિંદીના પ્રશ્નન વિષે લખો છો ત્યારે આ ભાવનાઓ બાજુ પર મૂકી દેવામાં આવે છે. અને છતાં, આપને એ વાત પસંદ આવે કે ન આવે, તોપણ તે આપના સાથી પ્રજાજન તો છે જ. ઇંગ્લંડ હિંદ ઉપરનો પોતાનો કાબૂ છોડવા નથી માગતું, અને સાથે સાથે તે એના ઉપર દંડાશાહીનું શાસન પણ કરવા નથી માગતું, એમના રાજદ્રારી આગેવાનો કહે છે કે તેઓ અંગ્રેજી રાજયને હિંદીઓ માટે એટલું તો પ્રિય બનાવવા માગે છે કે તેઓ બીજા કોઈ રાજની ઇચ્છા જ નહીં કરે. આપે વ્યક્ત કર્યા છે એવા વિચારોથી શું એ ઈચ્છાઓ પાર પાડવામાં હરકત નહીં ઊભી થાય?

હું ભાગ્યે જ એવા કોઈ હિંદીઓને ઓળખું છું જેઓ ૧,૦૦૦ પાઉંડ કમાતા હોવા છતાં માત્ર ૫૦ પાઉંડ કમાતા હોય એવી રીતે રહેતા હોય. હકીકત એવી છે કે, સંસ્થાનમાં કદાચ જે એકલો ૧,૦૦૦ પાઉંડ કમાતો હોય એવો એકે હિંદી નથી. એવા થોડા લોકો છે ખરા કે જેમનો વેપાર એવું માનવાને કારણ આપે કે તેઓ “ધનના ઢગલા કરી દેતા” હશે. એમનામાંના કેટલાકનો વેપાર જરૂર ઘણો મોટો છે; પણ નફો એટલો મોટો નથી. કારણ કે એમાં ઘણા લોકો ભાગીદાર હોય છે. હિંદીઓને વેપાર ગમે છે, અને જ્યાં સુધી તે સારી રીતે જીવવા જેટલી કમાણી કરી શકે છે ત્યાં સુધી તે બીજાઓને પોતાના નફામાંથી મોટા હિસ્સા આપવામાં હરકત જોતો નથી. તે પોતાના નફાનો મોટો ભાગ જાતે લઈ લેવાનો આગ્રહ નથી રાખતો. યુરોપિયનની માફક હિંદીને પણ પોતાના પૈસા ખરચવા ગમે છે, પણ તે આંધળિયાં કરીને નહીં, મુંબઈમાં અઢળક ધન કમાનાર દરેક વેપારીએ પોતાને માટે ભવ્ય મહેલો જેવાં મકાનો બાંધ્યાં છે. મોમ્બાસામાંનું એકમાત્ર ભવ્ય મકાન એક હિંદીએ બાંધ્યું છે. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓ ઘણું ધન કમાયા છે, પરિણામે તેમણે મહેલો ઊભા કર્યા છે અને કેટલાક દાખલામાં આનંદપ્રમોદ માટેનાં મનોરંજનઘરો પણ તેમણે બાંધ્યાં છે. ડરબનમાં કે દક્ષિણ આફ્રિકામાં કોઈ હિંદીએ એ પ્રમાણે કર્યું નથી એનું કારણ એ છે કે તે એ પ્રમાણે કરવા માટે પૂરતું કમાયો નથી. સાહેબ, આપ જો આ પ્રશ્નનનો થોડો વધારે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો (એ કહેવા બદલ આપ મને માફ ! કરશો) તો આપને જણાશે કે આ સંસ્થાનમાં હિંદીઓ તેમની શક્તિ પ્રમાણે માત્ર એટલું જ ખરચે છે જેટલું તેઓ મુસીબતમાં મુકાયા સિવાય ખરચી શકે. એમ કહેવું કે સારી કમાણી કરનારાઓ પોતાની દુકાનના ભોંયતળિયા પર સૂઈ રહે છે, એ વાત, મને કહેવા દો કે, ખોટી છે. છે. જો આપ આપની ભ્રમણા ભાંગવા માગતા હો અને થોડા કલાક માટે જો આપ આપની તંત્રીની ખુરશી છોડશો તો હું આપને થોડી હિંદી દુકાનો ઉપર લઈ જઈશ. કદાચ પછી આપ તેમને વિષે હમણાંના કરતાં ઘણી ઓછી કઠોરતાથી વિચારતા થશો.

હું નમ્રપણે એવું માનું છું કે, કાંઈ નહીં તો બ્રિટિશ સંસ્થાનો માટે હિંદી પ્રશ્નના સ્થાનિક તેમ જ શાહી મહત્ત્વ ધરાવે છે અને હું આગ્રહપૂર્વક કહેવા માગું છું કે એ પ્રશ્ન વિષે ગુસ્સો કરવો અથવા પહેલેથી બાંધેલા ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા માટે નક્કર હકીકતો પ્રત્યે આંખો બંધ કરી દેવી એ કાંઈ એનો સંતોષકારક ઉકેલ કાઢવાનો ખરેખરો રસ્તો નથી. સંસ્થાનમાંની જવાબદાર વ્યક્તિઓ માટે એ વાત ફરજરૂપ છે કે તેઓ આ બે કોમ વચ્ચેનું અંતર વધારે તો નહીં જ પણ શકય હોય તો ઓછું કરે. એક વાર હિંદીઓને સંસ્થાનમાં આવવાનું આમંત્રણ