પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


૬૩. નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સભામાં ભાષણ

[ રવિવાર તા. ૧લી ઓકટોબર, ૧૮૯૫ના રોજ નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની રાહબરી નીચે ગાંધીજીએ ડરબનમાં રૂસ્તમજીના મકાનમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલી સંખ્યાની હિંદીઓની મેદની સમક્ષ ભાષણ આપ્યું.]

શ્રી ગાંધીએ સભા આગળ ઘણું જ લંબાણથી ભાષણ કર્યું. એમણે કહ્યું કે હવે નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસના અસ્તિત્વની વાત પૂરેપૂરી જાહેર થઈ ગઈ છે એટલે તમારે તમારાં લવાજમો ભરવામાં નિયમિત બનવાનું જરૂરી છે. આપણી પાસે આજે ૭૦૦ પાઉન્ડ હાથ પર છે અને તે ગઈ વખતે હું તમને મળ્યો એના કરતાં ૧૦૦ પાઉન્ડ જેટલા વધારે છે. આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે પૂરા ૪૦૦૦ પાઉન્ડ જોઈએ છે. એટલે મારું કહેવું એ છે કે દરેક જણે અમુક વખતમાં અમુક ફાળો ભરવાનું વચન લખીને આપવું જોઈએ. દરેક વેપારી જે ૧૦૦ પાઉન્ડનો માલ વેચે તેણે ૫ શિલિગ કૉંગ્રેસને આપવાનો પ્રયાસ કરવો જોઈએ.

શ્રી ગાંધીએ આગળ કહ્યું કે, આજ સુધીમાં આપણને ઇંગ્લંડમાં વિજય મળ્યો છે. પણ આપણે હવે હિંદમાંથી જે સારાં પરિણામો આવવાનાં છે તેની રાહ જોઈએ છીએ. એ ઘણું સંભવિત છે કે હું તમને છોડીને જાન્યુઆરીમાં હિંદુસ્તાન જઈશ, અને ત્યાં સંખ્યાબંધ સારા હિંદી બૅરિસ્ટરોને નાતાલ આવવાને સમજાવીશ.

धि नाताल एडवर्टाइझर, ૨-૧૦-૧૮૯૫



૬૪. હિંદીઓનો પ્રશ્ન
ડરબન,


ઓક્ટોબર ૯, ૧૮૯૫


તંત્રીશ્રી,

धि नाताल एडवर्टाइझर

સાહેબ,

આપના ગઈ કાલના અંકમાં જે અગ્રલેખ લખ્યો છે તેના સામાન્ય આશય વિષે કોઈ પણ હિંદી વાંધો ઉઠાવી શકે એમ નથી.

જો કૉંગ્રેસે આડકતરી રીતે પણ કોઈ સાક્ષીને ફોડવાનો પ્રયાસ કર્યો હોય તો નક્કી તે દાબી દેવાને પાત્ર ઠરી શકત. હાલ પૂરતો હું ફરીથી એટલું જ કહીશ કે એણે એવો કોઈ પ્રયાસ કર્યો નથી. જે ચુકાદામાં કૉંગ્રેસને ઠપકો આપવામાં આવ્યો છે તેના પર અપીલ કરવામાં આવી છે એટલે મને પુરાવાઓની લંબાણથી ચર્ચા કરવાની મોકળાશ લાગતી નથી. જે એકમાત્ર સાક્ષીને કૉંગ્રેસ બાબતમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેણે એ સંસ્થાને આ બાબત સાથે કાંઈ પણ લેવાદેવા હોવાની ના પાડી હતી. જે માણસોના પોતાના ખાનગી વ્યક્તિ તરીકેનાં કાર્યોની જવાબદારી તેઓ જે સંસ્થા સાથે સંકળાયેલા હોય તેને માથે મારવામાં આવે