પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૫
નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ

છે, અને એ રીતે હાલની સરકારને મદદ કરવાનો છે, અને ધારો કે એ કદી એને મુસીબતમાં મૂકી પણ શકે તોપણ મુસીબતમાં મૂકવાનો નથી.

આવા વિચારો ધરાવતા હોવાને કારણે સ્વાભાવિક રીતે જ તેઓ કૉંગ્રેસને વિષે એની ઉપયોગિતામાં કાપ મુકાય એવી કોઈ પણ ટીકા કરવામાં આવે તેની સામે મજબૂત વિરોધ દર્શાવે છે. એટલે જો સરકાર મૅજિસ્ટ્રેટની ટીકાને કાંઈ પણ વજન આપવાનું વલણ ધરાવતી હોય તો કૉંગ્રેસના સભ્યોને માટે સંસ્થાનું બંધારણ અને કામકાજ વિષે ચોકસાઈભરી તપાસ કરાવવામાં આવે એના કરતાં બીજું વધારે આવકારદાયક કશું જ ન હોઈ શકે.

હું એ પણ કહી દઉં કે હિંદી હિંદી વચ્ચેની આપસની કોર્ટની બાબતોમાં કૉંગ્રેસે હજી કદી દરમ્યાનગીરી કરી નથી અને જાહેર મહત્ત્વની હોય તે સિવાયની વ્યક્તિગત ફરિયાદો હાથ પર લેવાની તેણે ના જ પાડી છે. કોઈ પણ વ્યક્તિગત સભ્ય કે સભ્યો એના નિયમો મુજબ બોલાવવામાં આવેલી સભામાં એકઠા થયેલા બહુમતી સભ્યોની મંજૂરી સિવાય કૉંગ્રેસ તરફથી અથવા કૉંગ્રેસને નામે કાંઈ પણ કરી નહીં શકે. અને આવી સભા માત્ર માનદ મંત્રીની લેખિત નોટિસથી જ ભરી શકાય છે.

જો સરકારને એવો સંતોષ થયો હોય કે કૉંગ્રેસને પ્રસ્તુત મુકદ્દમા સાથે કશી લેવાદેવા નથી તો કૉંગ્રેસ તરફથી હું નમ્રપણે એટલી વિનંતી કરું છું કે એ હકીકત વિષે કાંઈક જાહેર નિવેદન બહાર પાડવામાં આવે; બીજી બાજુથી એ બાબત વિષે કાંઈ પણ શંકા રહી હોય તો તેની તપાસ કરાવવા માટે હું માગણી કરું છું.

આ સાથે હું કૉંગ્રેસના નિયમો, ૧૮૯૫ના ઑગસ્ટની ૨૨મી તારીખે પૂરા થતા વર્ષના સભ્યોની યાદી અને પ્રથમ વાર્ષિક હેવાલ એ દરેકની એકેક નકલ સામેલ કરું છું.

જો કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો તે મોકલતાં મને ઘણો આનંદ થશે.

આપનો આજ્ઞાંકિત સેવક


મો. ક. ગાંધી


માનદ મંત્રી, ના. ઈં. કૉં.


[|મૂળ અંગ્રેજી ]

સમ્રાજ્ઞીના મુખ્ય સંસ્થાન મંત્રીને નાતાલના ગવર્નર તરફથી ૧૮૯૫ના નવેમ્બરની ૩૦મી તારીખે મોકલેલા ખરીતા ન. ૧૨૮નું બિડાણ નં. ૧ કૉલોનિયલ ઑફિસ રેકર્ડ નં. ૧૭૯, ગ્રંથ ૧૯૨.