પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
હિંદી મતાધિકાર

ભોગવતો હોય, એટલે જો તે દેશનો મતાધિકાર કાનૂન નાતાલના મતાધિકાર કાનૂન જેવો જ હોય. જો આ જાતનો સિદ્ધાંત સાર્વત્રિક રીતે લાગુ પાડવામાં આવે તો એ વાત સમજવી સહેલી છે કે ઇંગ્લંડમાંથી આવનાર કોઈને પણ નાતાલમાં મતાધિકાર મળી નહીં શકે. જર્મની કે રશિયા કે જ્યાં વધતેઓછે અંશે એકહથ્થુ સરકાર ચાલે છે ત્યાંથી આવનારને તો એનાથી પણ ઘણે અોછે અંશે એ હક મળી શકે. એટલા માટે એકમાત્ર અને સાચી કસોટી એ નથી કે હિંદીઓ પાસે હિંદુસ્તાનમાં મતાધિકાર છે કે નહીં, પણ તેઓ પ્રતિનિધિત્વવાળી સરકારનો સિદ્ધાંત સમજે છે કે નહીં એ છે.

પણ હિંદુસ્તાનમાં તેમને મતાધિકાર जरुर मळेलो છે. એ સાચું છે કે તે અત્યંત મર્યાદિત છે, આમ છતાં તે છે તો ખરો જ. ત્યાંની વિધાન પરિષદો હિંદીઓની પ્રતિનિધિત્વવાળી સરકારને સમજવાની અને તેની કદર કરવાની લાયકાતનો સ્વીકાર કરે છે. આ વિધાન પરિષદો હિંદીઓની પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ માટેની યોગ્યતાની કાયમની સાક્ષી છે. હિંદી વિધાન પરિષદોના થોડા સભ્યો ચૂંટવામાં આવે છે અને થોડા નીમવામાં આવે છે. હિંદુસ્તાનની વિધાન પરિષદોની પરિસ્થિતિ નાતાલની જૂની વિધાન પરિષદોની પરિસ્થિતિથી બહુ ભિન્ન નથી. અને હિંદીઓને એ પરિષદોના સભ્યો થતા રોકવામાં નથી આવતા. તેઓ યુરોપિયનો જોડે એકસરખી શરતો પર ચૂંટણી લડે છે.

મુંબઈની વિધાન પરિષદના સભ્યોની છેલ્લી ચૂંટણી વખતે મતદારમંડળોમાંના એકમાં એક યુરોપિયન અને એક હિંદી એમ બે ઉમેદવારો ઊભા હતા.

હિંદમાંની બધી જ વિધાન પરિષદમાં હિંદી સભ્યો -મોજૂદ છે. આ ચૂંટણીઓ વખતે હિંદીઓ મત આપે છે તેમ જ યુરોપિયનો પણ આપે છે. બેશક મતાધિકાર મર્યાદિત છે. એ અટપટો પણ છે, દાખલા તરીકે મુંબઈનું મ્યુનિસિપલ કૉર્પોરેશન વિધાન પરિષદ ઉપર એક સભ્ય ચૂંટે છે, અને એ કૉર્પોરેશન મોટે ભાગે હિંદી કર ભરનારાઓ મારફતે ચૂંટાયેલા સભ્યોનું બનેલું છે.

મુંબઈમાં મ્યુનિસિપલ ચૂંટણી માટેના હિંદી મતદારોની સંખ્યા હજારોની છે, એ મતદારોના વર્ગમાંથી અથવા એના જેવા જ વર્ગમાંથી સંસ્થાનમાંના મોટા ભાગના હિંદી વેપારીઓ આવેલા છે.

એ ઉપરાંત સૌથી વધારે મહત્ત્વવાળી અધિકારની જગ્યાઓ હિંદીઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે.એ શું એવું બતાવે છે ખરું કે તેઓ પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર કેવી હોય તે સમજવાને નાલાયક ઠર્યા છે? એક હિંદીએ વડા ન્યાયાધીશનું પદ ધારણ કર્યું છે, જે પદનો વાર્ષિક પગાર ૬૦,૦૦૦ રૂપિયા અથવા ૬૦૦૦ પાઉંડ છે. માત્ર તાજેતરમાં જ, અહીંના મોટા ભાગના વેપારીઓ જે વર્ગમાંથી આવ્યા છે તે વર્ગના એક હિંદીને મુંબઈમાં ન્યાયની વડી અદાલતમાં ઉપ-ન્યાયાધીશ તરીકે નીમવામાં આવ્યા છે. એક તામિલ ગૃહસ્થ જેમની જ્ઞાતિના કેટલાક હિંદીઓ ગિરમીટ નીચે છે, તે મદ્રાસમાં વડી અદાલતના ઉપ-ન્યાયાધીશ છે. એક હિંદીને બંગાળમાં રેવન્યુ કમિશનરની ઘણી જ જવાબદારીભરી ફરજો સોંપવામાં આવી છે.

મુંબઈમાં અને કલકત્તામાં હિંદીઓએ યુનિવસિર્ટીઓના ઉપકુલપતિનાં પદ શોભાવ્યાં છે.

હિંદીઓ યુરોપિયનો સાથે સમાન શરતોએ આઈ. સી. એસ.ની સનદી સેવા માટે હરીફાઈ કરે છે.

મુંબઈ કૉર્પોરેશનના હાલના પ્રમુખ કૉર્પોરેશનના સભ્યો મારફતે ચૂંટાયેલા એક હિંદી છે.