પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨
ગાંધીજીનો અક્ષરદેહ

જાતને પંચાયત સંસ્થાનો એક સભ્ય તરીકે ગણે છે. એ સંસ્થા જેનો આજને તબક્કે તે એક સભ્ય છે તે ખરેખર તો એક સમગ્ર પ્રજાકીય સંસ્થા છે. આમ કરવાની એ શક્તિએ – લોકશાહી રાજ્યના સિદ્ધાંતને પૂરી રીતે સમજવાની શક્તિએ - એને જગત પરનો સૌથી નિરુપદ્રવી અને સૌથી નમ્ર માણસ બનાવ્યો છે. સદીઓની પરદેશી હકૂમત અને જોહુકમી એને સમાજની એક ખતરનાક વ્યક્તિ બનાવી દેવામાં નિષ્ફળ નીવડી છે. જે કોઈ જગ્યાએ એ જાય છે અને ગમે એવી પરિસ્થિતિમાં એ મુકાયો હોય છે, ત્યાં તે પોતાના ઉપર અધિકાર ધરાવતા લોકોની પ્રતિનિધિરૂપ બહુમતીના નિર્ણયને વશ વર્તે છે. કારણ કે તે જાણે છે કે એના ઉપર કોઈ પણ ત્યાં સુધી સત્તા નહીં ચલાવી શકે જ્યાં સુધી એ સત્તા ચલાવનારને જે તે સમાજની બહુમતી સંખ્યાના લોકો એ સ્થાન પર નભાવી નહીં લેતા હોય. આ સિદ્ધાંત હિંદીઓના હૃદયમાં એવો તો કોતરાઈ ગયેલો છે કે હિંદનાં દેશી રાજ્યોના અત્યંત જુલમી રાજાઓને પણ પ્રતીતિ થયેલી હોય છે કે તેમણે પ્રજાને માટે કારભાર કરવાનો છે, એ વાત સાચી છે કે એ બધા કાંઈ આ સિદ્ધાંત મુજબ વર્તતા નથી. એનાં કારણોની ચર્ચા અહીં કરવાનું જરૂરી નથી. અને સૌથી તાજુબ પમાડનારી હકીકત તો એ છે કે જયાં ઉપર ઉપરથી રાજાશાહી સરકાર કામ કરતી હોય છે ત્યાં પણ પંચાયત એ સર્વસત્તાધીશ મંડળ છે. એના સભ્યોનાં કાર્યોનું નિયમન બહુમતીની ઈચ્છા મુજબ થાય છે. મેં રજૂ કરેલા દાવાના સમર્થન માટે પ્રમાણો જોઈતાં હોય તો હું વાચકોને નામદાર વિધાનસભાને કરેલી મતાધિકાર-અરજી[૧] વાંચી લેવા વિનંતી કરીશ.

“હિંદીઓને મતાધિકાર એટલા ખાતર મળવો નહીં જોઈએ કે સ્થાનિક દેશી લોકો જેઓ હિંદીઓના જેટલા જ બ્રિટિશ પ્રજાજનો છે તેમને મતાધિકાર અપાયો નથી.”

આ વાંધો મને છાપાંઓમાંથી જેવો મળ્યો છે તેવો જ મેં રજૂ કર્યો છે. આજે નાતાલમાં હિંદીઓ મતાધિકાર ભોગવી જ રહ્યા છે એ હકીકત સાથે આ વાંધાનો મેળ બેસતો નથી. હવે તો એનો મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સરખામણીમાં ઊતર્યા સિવાય હું જે કાંઈ નક્કર હકીકતો છે તે જ રજૂ કરીશ. દેશી લોકોનો મતાધિકાર, કેટલાંક વર્ષોથી અમલમાં છે એવા એક ખાસ કાનૂન વડે નિયંત્રિત થયેલો છે. એ કાનૂન હિંદીઓને લાગુ નથી પડતો. અમારો એવો આગ્રહ પણ નથી કે એ હિંદીઓને પણ લાગુ પાડવામાં આવે. હિંદમાંનો હિંદીઓનો મતાધિકાર (પછી તે ગમે તે સ્વરૂપનો હોય) કોઈ ખાસ કાનૂન વડે નિયંત્રિત થયેલો નથી. એ સૌ કોઈને એકસરખી રીતે લાગુ પડે છે. ૧૮૫૮ના રાણીના ઢંઢેરારૂપે હિંદીને એની સ્વતંત્રતાનો અધિકારપત્ર મળેલો છે.

મતાધિકારનો હક પડાવી લેવાની તરફેણમાં સૌથી છેલ્લી જે દલીલ આગળ ધરવામાં આવી છે તે એવી છે કે હિંદીઓને અપાયેલો મતાધિકાર સંસ્થાનની દેશી વસ્તીને નુકસાન કરશે. આ કઈ રીતે થશે એ બિલકુલ જણાવવામાં આવ્યું નથી. પણ હું માનું છું કે હિંદી મતાધિકાર સામે વાંધો ઉઠાવનારાઓ હિંદીઓ સામે એક જાથૂકનો વાંધો એવાં કહેવાતાં કારણને


  1. જુઓ પા. ૬૯-૭૩