પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
ગાંધીજીનો અક્ષરદેહ

શહેરીઓને દરરોજ પોતાના આંગણામાં સસ્તા ભાવે ગુણકારી શાકભાજી અને ફળો વેચાતાં મળી શકે છે. આ માલ તેઓ થોડાં વર્ષ પહેલાં ઘણા ઊંચા ભાવે જાહેર બજારોમાં પણ ખાતરીપૂર્વક મેળવી શકતા નહોતા.

વેપારીઓના સંબંધમાં કમિશનના સભ્યોના હેવાલમાં પા. ૭૪ પર કહેવાયું છે:

અમને એ બાબતમાં પાકી ખાતરી થઈ ગઈ છે કે સંસ્થાનની સારી હિંદી વસ્તી સામે યુરોપિયન સાંસ્થાનિકોના મનમાં જે રોષ જોવામાં આવે છે તે આ આરબ વેપારીઓની યુરોપિયન વેપારીઓ સાથે હરીફાઈ કરવાની ચોખ્ખી શક્તિમાંથી પેદા થયેલો છે, અને ખાસ કરીને એવા વેપારીઓ સાથેની હરીફાઈ કે જેમણે પોતાનું ધ્યાન બીજી ચીજો અને ખાસ કરીને ચાવલ કે જે મોટે ભાગે હિંદી વસાહતી વસ્તી ખાય છે તે પૂરી પાડવામાં રોકેલું હતું. . . .

અમારો ખ્યાલ એવો છે કે આ આરબ વેપારીઓ, વસાહતી કાનૂનો મુજબ લાવવામાં આવેલા હિંદીઓની હાજરીને કારણે નાતાલમાં આકર્ષાઈને આવ્યા છે. હાલમાં સંસ્થાનમાં જે ૩૦,૦૦૦ વસાહતીઓ મોજૂદ છે તેમનો મુખ્ય ખોરાક ચાવલ છે. અને આ ચતુર વેપારીઓએ એ વસ્તુ પૂરી પાડવામાં પોતાની કુનેહ અને શક્તિને એવી તો સફળતાપૂર્વક કામે લગાડી કે બધા વાપરનારાઓ માટે આગલાં વર્ષોમાં એની કિંમત એક ગૂણની ૨૧ શિલિંગ હતી ત્યાંથી ઊતરીને ૧૮૮૪માં ૧૪ શિલિંગ ઉપર આવી. . . .

એવું કહેવાય છે કે કાફર લોકો આરબો પાસેથી છ કે સાત વર્ષ પહેલાં જે ભાવો હતા તેના કરતાં ૨પથી ૩૦ ટકા ઓછા ભાવે માલ ખરીદી શકે છે.

કેટલાક લોકો એશિયાઈ અથવા "આરબ" વેપારીઓ સામે જે પ્રતિબંધ મૂકનારો કાનૂન કરાવવા ઇચ્છે છે તેની લંબાણથી ચર્ચા કરવાનું અમારા કમિશનના ક્ષેત્રમાં નથી. एटले अमे लांबा निरीक्षणना आधारे अमारा ए दृढ अभिप्रायनी नोंध करवामां संतोष मानीए छीए के आ वेपारीओनी हाजरी आखा संस्थानने माटे हितकारी नीवडी छे अने तेमनी विरुध्ध कानुन बनाववानुं अन्यायी नहीं होय तोपण डहापणभर्यु नहीं नीवडशे (નાગરી મેં કર્યુ છે)

૮. . . . લગભગ એ બધા લોકો મુસલમાનો છે. તેઓ કાં તો માદક પીણાથી પૂરેપૂરા દૂર રહેનારા હોય છે અથવા તેનો બહુ મર્યાદામાં ઉપયોગ કરે છે. તેઓ સ્વભાવે કરકસર કરનારા છે અને કાનૂનોને તાબે થનારા છે.

કમિશન આગળ જે ૭૨ યુરોપિયન સાક્ષીઓએ જુબાની આપી તેમાંથી જેઓ સંસ્થાન ઉપર અસર કરનારા હિંદીઓની સંસ્થાનમાંની હાજરી બાબતમાં બોલ્યા તેમાંના લગભગ દરેક જણે એવું કહ્યું છે કે સંસ્થાનના કલ્યાણ માટે એમની હાજરી અનિવાર્ય છે. મેં કાંઈક લંબાણથી ઉતારા આપ્યા છે. તેમાંથી મારો ખ્યાલ એવી દલીલ કરવાનો નથી કે હિંદીઓને મતાધિકાર આપવો જ જોઈએ (એ તો એમની પાસે છે જ), પણ મારે તો એ આક્ષેપનો રદિયો આપવો છે કે હિંદી ઘૂસણિયો છે અને તેને સંસ્થાનની સમૃદ્ધિ સાથે કશો સંબંધ નથી.. "હાથ કંકણને વળી આરસીની શી જરૂર." આ વિષેની ઉત્તમ સાબિતી એ છે કે હિંદીઓ વિરુદ્ધ ભલે ગમે તેવી વાતો થતી હોય, તોપણ તેમની હજી માગણી થયા કરે છે, સંરક્ષકનું ખાતું હિંદી મજૂરો માટેની માગણીને પહોંચી વળવાને શક્તિમાન નથી.