પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
હિંદી મતાધિકાર

અન્યાય લાદવા ન દે કે જેઓ ઢંઢેરા વડે અને કાયદાઓ વડે કાનૂનની નજરમાં આપણી સાથે સમાન દરજજે મુકાયેલા છે.

જો હું તમને માત્ર એટલી ખાતરી કરાવી શકું કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે 'ભારેમાં ભારે દયાભાવ' બતાવાયો નથી, અને હાલમાં ત્યાં જે દશા પ્રવર્તે છે તેને માટે યુરોપિયનો પણ ઠપકાપાત્ર બને છે તો આખા હિંદી પ્રશ્નની શાંત વિચારણા માટેનો રસ્તો ખુલ્લો થઈ જશે. અને કદાચ સંબંધ ધરાવતા બંને પક્ષોને સમાધાન થાય એ રીતે, બ્રિટિશ સરકાર તરફની કોઈ પણ જાતની દરમિયાનગીરી સિવાય એ પ્રશ્નનો ઉકેલ આવી જશે. આ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપર ધર્માચાર્યોએ મૂંગા શા માટે રહેવું જોઈએ? આ પ્રશ્ન મહત્ત્વપૂર્ણ એટલા ખાતર છે કે દક્ષિણ આફ્રિકાના ભવિષ્ય ઉપર એની અસર પડે છે. તેઓ તદ્દન શુદ્ધ એવા રાજકારણમાં જરૂર ભાગ લે છે. હિંદીઓને મતાધિકારથી વંચિત કરવાનો આગ્રહ રાખવાને ગોઠવાયેલી સભાઓમાં તેઓ જરૂર હાજરી આપે છે. પણ આ કાંઈ માત્ર રાજદ્વારી પ્રશ્ન નથી. શું તેઓ એક આખી પ્રજાને વગર સમજની દ્વેષબુદ્ધિને કારણે અધોગતિ પામતી અને અપમાનિત થતી જોઈ રહેશે અને શાંત બેસી રહેશે ?

હું ફરીથી એક વાર કહું છું કે હિંદીઓને કોઈ રાજદ્વારી સત્તા જોઈતી નથી. તેઓ મતાધિકાર છીનવાઈ જવામાંથી નીપજતાં અને તેના ઉપર નિર્ભર એવાં અપમાનો અને બીજાં ઘણાં પરિણામો અને પગલાંઓથી ડરે છે અને તેમનો વિરોધ કરે છે.

છેવટે, જેઓ આ વાંચશે અને એમાં ચર્ચેલા વિષય બાબતમાં પોતાનો અભિપ્રાય પ્રગટ કરશે તે લોકોનો હું અત્યંત આભારી થઈશ. ઘણા યુરોપિયનોએ હિંદીઓ માટે ખાનગીમાં પોતાની સહાનુભૂતિ દર્શાવી છે અને તેમણે હિંદી મતાધિકાર સંબંધમાં સંસ્થાનમાં ભરાયેલી અનેક સભાઓમાં પસાર થયેલા આકરા ઠરાવો તરફ તથા તેમાં કરવામાં આવેલાં ભાષણોના કડવાશભર્યા સૂર તરફ દૃઢતાપૂર્વક નાપસંદગી દર્શાવી છે. જો આ સજજનો આગળ આવીને પોતાની માન્યતા પ્રગટ કરવાની હિંમત બતાવશે તો તેમને ચોગુણો બદલો મળશે. તેઓ સંસ્થાનમાંના ૪૦,૦૦૦ હિંદીઓની, સાચું પૂછો તો આખા હિંદુસ્તાનની કૃતજ્ઞતા હાંસલ કરશે; અને હિંદી લોકો સંસ્થાન માટે શાપરૂપ છે એ ખોટા ખ્યાલને યુરોપિયનોના મનમાંથી દૂર કરીને તેઓ સંસ્થાનની સાચી સેવા કરશે; તેઓ એક પ્રાચીન જાતિના અમુક ભાગને, એમની જાણમાં દક્ષિણ આફ્રિકાભરમાં અસ્તિત્વમાં છે એવા બિનજરૂરી જુલમમાંથી છોડાવીને અથવા છોડાવવામાં મદદ કરીને માનવજાતની સેવા કરશે. અને અંતમાં છતાં મહત્ત્વમાં ઓછું નહીં એવું તેઓ ઉમદામાં ઉમદા અંગ્રેજો સાથે મળીને ઇગ્લંડ અને હિંદને જોડનારી પ્રેમ અને શાંતિની સાંકળના અંકોડાના ઘડવૈયા બનશે. નમ્રપણે હું એટલું જણાવીશ કે આવી સિદ્ધિ હાંસલ કરવામાં પહેલ કરનારાઓને જે થોડોઘણો ઉપહાસ વેઠવો પડશે તે એળે ગયેલો નહીં ગણાશે. બે કોમોને અલગ કરવાનું ઘણું સહેલું છે, તેમને પ્રેમની રેશમી દોરી વડે બાંધીને એક કરવાનું તેટલું જ મુશ્કેલ છે. પણ તો પછી જે પ્રત્યેક વસ્તુ મેળવવા લાયક હોય છે તે ભારે મુસીબત અને ચિંતા વેઠવા જેટલી કીંમતી પણ હોય છે.

આ બાબત અંગે નાતાલ હિંદી કૉંગ્રેસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને વિષે ઘણી ગેરસમજ કરવામાં આવી છે. એક જુદી પુસ્તિકામાં[૧] એના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.


  1. ૧. અા મળતી નથી.