પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
ગાંધીજીનો અક્ષરદેહ

અઢળક છે એ જોતાં કોઈએ એવું માન્યું કે અહીં આવો જવાબ મળવાનું અશકય છે. આમ છતાં આ જવાબ પૂરેપૂરો વાજબી છે. સારામાં સારી હોટલોમાં પણ બપોરના ભોજન વખતે નિયમ તરીકે એકમાત્ર બટાટાનું શાક મળે છે અને તે પણ કાચુંપાકું. સાંજના વાળુમાં કદાચ તમને બે શાક મળે અને તે શાકોમાં ભાગ્યે જ કદી ફેરફાર કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના આ બગીચાઓના સંસ્થાનમાં જયાં મોસમ વખતે નજીવી કિંમતે તમને ફળો મળી શકે છે ત્યાં હોટલોમાં નહીં જેવાં ફળો જોવામાં આવે છે એ લગભગ નાલેશીની જ વાત કહેવાય. કઠોળની દાળો તો તેના અભાવને લઈને ધ્યાન પર ચડે છે. ડરબનમાં કઠોળ વેચાતું મળે છે કે કેમ એવું મને એક સજજને લખીને પુછાવ્યું: તેમને એ ચાર્લ્સટાઉન અને આજુબાજુના કસબાઓમાંથી મળી ન શકયું. કોચલાંવાળાં ફળો અથવા મેવો તો માત્ર ક્રિસ્ટમસના દિવસોમાં જ વેચાતો મળે છે.

હાલની પરિસ્થિતિ આ જાતની છે. એટલે લગભગ નવ માસના જાહેરખબરો આપવાના અને શાંત સમજાવટના પરિણામે જો હું ધ્યાન પર ચડે એવી બહુ ઓછી પ્રગતિ રજૂ કરી શકું તો શાકાહારી મિત્રોએ આશ્ચર્ય પામવું નહીં જોઈએ. એવું પણ નથી કે શાકાહારના પ્રચારમાં માત્ર ઉપર દર્શાવી છે એટલી જ મુસીબતો છે. અહીંના લોકો સોના ઉપરાંત ભાગ્યે જ બીજા કાંઈનો વિચાર કરે છે. આ પ્રદેશોમાં સુવર્ણનો જ્વર એવો તો ચેપી છે કે તેણે ધર્મના આચાર્યો સુધ્ધાં મોટામાં મોટા અને નાનામાં નાના સૌને એનો ભોગ બનાવી દીધા છે. જીવનનાં વધારે ઉમદા કાર્યો માટે એમની પાસે સમય નથી; બીજી ઉપરની એટલે આધ્યાત્મિક દુનિયાનો વિચાર, કરવાનો તેમને સમય મળતો નથી.

वेजिटेरियनની નકલો દર અઠવાડિયે નિયમિત રીતે મોટા ભાગની લાઈબ્રેરીઓને પહોંચાડવામાં આવે છે. કોઈ કોઈ વાર અખબારોમાં જાહેરખબરો આપવામાં આવે છે શાકાહારના વિષયનો પરિચય કરાવવા માટેની દરેક તક ઝડપી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આને લઈને થોડા સહાનુભૂતિભર્યા પત્રવ્યવહારો અને પૂછતાછને પ્રેરણા મળી છે. થોડાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. બીજાં ઘણાં પુસ્તકો મફત વહેંચવામાં આવ્યાં છે. પત્રવ્યવહાર અને વાર્તાલાપ રમૂજભર્યા રહ્યા છે. એક સન્નારીએ મારી સાથે ખ્રિસ્તી ધર્મના દીક્ષાપંથ વિષે પત્રવ્યવહાર કર્યો, તેને જયારે એવું માલૂમ પડયું કે ખ્રિસ્તી ધર્મના આ દીક્ષાપંથને શાકાહાર જોડે કાંઈક સંબંધ છે ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તે એટલી બધી ચિડાઈ ગઈ કે તેને વાંચવા માટે આપેલાં પુસ્તકો તેણે વગર વાંચે જ પરત કરી દીધાં. માણસને માટે કોઈ પ્રાણીને ગોળીથી ઠાર કરવાનું કે કતલ કરવાનું હીણપતભર્યું છે એવું એક ગૃહસ્થ માનતા હતા. તે "પોતાનો જાન. બચાવવા માટે પણ એવું કામ નહીં કરે." પણ પોતાને માટે રાંધીને તૈયાર કરેલું માંસ ખાવામાં તેમને કશી પણ દયા આવતી નહોતી.

શાકાહારની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા અને ખાસ કરીને નાતાલની શકયતાઓ કહેતાં પાર ન આવે એટલી બધી છે. માત્ર શાકાહાર માટે કામ કરનારાઓનો અભાવ છે. અહીંની જમીન એટલી બધી ફળદ્રુપ છે કે એમાં લગભગ બધી જ વસ્તુઓ પકવી શકાય. જમીનના વિશાળ વિભાગો માત્ર કોઈ કુશળ હાથની રાહ જોઈ રહ્યા છે જે તેનું સોનાની સાચી ખાણોમાં રૂપાંતર કરી દે. જો થોડા જ માણસોને જોહાનિસબર્ગના સોના તરફથી તેમનું ધ્યાન ખસેડીને તેને ખેતીમાંથી પૈસા કમાવાની શાંત રીત તરફ વાળવા માટે અને રંગદ્વેષમાંથી છૂટી જવા માટે સમજાવી શકાય તો નાતાલમાં હરેક પ્રકારનાં શાકભાજી અને ફળો કોઈ પણ શંકા વિના ઉપજાવી શકાય.