પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
ગાંધીજીનો અક્ષરદેહ


તેમને ઘરે પહોંચાડી દઈ શકે. પરંતુ, જો એટલું પણ નહીં થઈ શકે તો તેમના પ્રત્યે કબજા નીચેના ભદ્ર માણસો જોડે રાખવામાં આવે તેવો વર્તાવ રાખે અને તેમને આગળથી ચોરલૂંટારા માની ન લે. જયાં સુધી એમને છળકપટ કરનારા સાબિત નહીં કરી શકાય ત્યાં સુધી એમનો પોશાક, ધર્મ અને નામ વિષેની ટીકા સગવડભરી રીતે મુલતવી રાખી શકાઈ હોત.

આશરે એક સાલ પહેલાં હું સ્ટેન્ડરટનથી ડરબનની મુસાફરી કરી રહ્યો હતો. મારા બે મુસાફરીના સોબતીઓ ચોર હોવાની શંકા કરવામાં આવી. એમનો સરસામાન તથા હું એ જ ખાનામાં હતો એટલે મારો પણ સામાન ફોકસરસ્ટમાં તપાસવામાં આવ્યો, અને ખાનામાં એક છૂપી પોલીસનો માણસ મૂકવામાં આવ્યો, તેઓ લગેજ તપાસનાર અમલદારને વ્હીસ્કીનો એક પ્યાલો ધરી શકતા હતા અને છૂપી પોલીસના માણસ જોડે સમાન દરજજા ઉપર એક ગૃહસ્થ તરીકે વાત કરી શકતા હતા. એવું અનુમાન કરી શકાય કે આવું થઈ શકવાનું કારણ એ હતું કે તેઓ માનભર્યા પોશાકમાં સજજ થયેલા હતા, અને પહેલા વર્ગના મુસાફરો હતા, છૂપી પોલીસના માણસે તેમને વિષે આગળ કશું અનુમાન બાંધી નહીં લીધું. એ લોકો યુરોપિયનો હતા એ વાત કહેવાનું મારે ટાળવું નહીં જોઈએ. છૂપી પોલીસનો માણસ આખે રસ્તે દિલગીરી અનુભવતો હતો કે તેને આ અપ્રિય ફરજ અદા કરવી પડતી હતી. પેલા કમનસીબ છોકરાઓના જેવા દાખલાઓમાં પણ આવો જ વર્તાવ રખાવો જોઈએ એટલું તેમના પક્ષે મને નહીં કહેવા દો? એમને કેદીની કોટડીને બદલે સૂઈ રહેવાને બીજી કોઈ જગ્યા આપી શકાત. જો અા કોટડીમાં રાખવાનું અનિવાર્ય હતું તો તેમને સૂવાને માટે સ્વચ્છ કામળા આપી શકાયા હોત. સિપાઈ તેમની સાથે સલૂકાઈથી વાતચીત કરી શકયો હોત. આટલું જો કરવામાં આવ્યું હોત તો આ મામલો મૅજિસ્ટ્રેટ સુધી કદી પહોંચત જ નહીં.

"આ જવાન લેભાગુઓએ જામીન આપવાનું પસંદ કરવાને બદલે આખી રાત પુરાઈ રહેવાનું પસંદ કર્યું." એવા સુપરિન્ટેન્ડેન્ટના નિવેદન સામે હું મારો વિરોધ નેાંધાવું છું. સાચી બીના એનાથી ઊલટી જ છે. તેમણે જામીન આપવા માગણી કરી હતી પરંતુ રાત્રિ દરમિયાન તે નકારી કાઢવામાં આવી હતી. એમના પ્રત્યેના આવા વર્તાવને કારણે મૅજિસ્ટ્રેટ નારાજ થયા હતા. સવારમાં તેમણે જામીન પર છોડવાની ફરીથી વિનંતી કરી. બીજા નંબરના પ્રતિવાદીની વિનંતી માન્ય રાખવામાં આવી. પહેલાને જામીન પર છોડવાની સિપાઈએ ના પાડી દીધી. એ ઉપરાંત એના નામ સામે "છોડવાના નથી" એવી નેાંધ કરવામાં આવી. એ નોંધવાળો ચોપડો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પાછળથી ઇન્સપેકટર બેનીના કહેવાથી એને છોડી દેવામાં આવ્યો. ખબર પડતાંની સાથે ઇન્સપેકટર બેનીએ એ ભૂલ સુધારી લીધી.

સુપરિન્ટેન્ડેન્ટ તરફ આદર સાથે હું કહું છું કે પ્રથમ પ્રતિવાદીએ કાનૂનનો ભંગ કર્યો નથી. મેજિસ્ટ્રેટે કશો હુકમ કર્યો નહીં, પણ તેમણે એક પિતાને છાજે એવી માયાળુ રીતે એવું સૂચન કર્યું કે મારે એને મેયરનો પાસ[૧] કઢાવી લેવા સલાહ આપવી. મેં જણાવ્યું કે એવો પાસ જરૂરી નથી છતાં એમની સૂચનાને માન આપીને હું તેમ કરીશ. પ્રતિવાદીના ઉપર હવે ટાઉનકલાર્કનો જવાબ આવી ગયો છે કે તે કારકુન અને રવિવારની શાળાનો શિક્ષક હોવાથી અને તેના ઉપર કદી કોઈ ફોજદારી ગુનાનો આરોપ મુકાયો નથી એટલે તેને પાસ કાઢી આપવામાં નહીં આવે. જો તે રાત્રે નવ વાગ્યા બાદ બહાર નીકળવાને લાયક નહીં હોય તો


  1. ૧. પરવાનગી માટે નો.