પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૭૨. ઝૂલુલૅન્ડ માટેના હંગામી સેક્રેટરીને પત્ર

ડરબન,

માર્ચ ૪, ૧૮૯૬

મિ. સી. વાલ્શ,

ઝૂલુલૅન્ડ માટેના હંગામી સેક્રેટરી

પિટરમેરિત્સબર્ગ

સાહેબ,

નોંદવેની કસબાના નિયમનો[૧] વિષે મેં ઝૂલુલૅન્ડના પરમશ્રેષ્ઠ ગવર્નર ઉપર જે વિનંતીપત્ર મોકલ્યો હતો એના જવાબમાં તમારો ગઈ તા. ૨૭મીનો પત્ર મને મળ્યો છે. એમાં તમે એવું જણાવ્યું છે કે આ નિયમનો ગવર્નર મહોદયના પૂર્વાધિકારીના સમયમાં પ્રકાશિત થયેલાં એશૉવે કસબાનાં નિયમનોની નકલ માત્ર છે.

આ પરિસ્થિતિમાં અરજદારો તરફથી હું ગવર્નર મહોદયને બંને કસબાઓ સંબંધેનાં નિયમનોમાં ફેરફાર કરવાને કે સુધારો કરવાને વિનંતી કરીશ જેથી રંગનો ભેદભાવ દૂર થઈ જાય. કોઈ પણ સંજોગોમાં હું એટલું જણાવવાની છૂટ લઉં છું કે દક્ષિણ આફ્રિકાના બીજા ભાગોમાં હિંદીઓના મિલકત અંગેના અધિકારો બાબતમાં હાલમાં જે અનેક બનાવો બની રહ્યા છે, ખાસ કરીને તેનો ખ્યાલ કરતાં એ નિયમનો એશૉવેમાં અમલમાં છે એટલા ખાતર તેનો નેાંદવેનીમાં અમલ કરવાનું મારા નમ્ર અભિપ્રાય મુજબ ઉચિત નહીં ઠરાવી શકાય.

હું માનું છું કે મેલમોથ કસબા માટે આવાં કોઈ નિયમનો અસ્તિત્વમાં નથી.

હું છું, વગેરે

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્‌ઝ નં. ૪૨૭, ગ્રંથ ૨૪


  1. ૧. જુએા પા. ૨૨૬+૨૮.