પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
ગાંધીજીનો અક્ષરદેહ

નિયમનોને એવી રીતે બદલવામાં આવે અથવા સુધારવામાં આવે કે જેથી તેમાં રહેલો રંગ અંગેનો ભેદભાવ દૂર થઈ જાય.

ઉપરોક્ત અરજી[૧] કે જેની એક નકલ આ સાથે સામેલ કરવામાં આવી છે તેના જવાબમાં આપના અરજદારોને જણાવવામાં આવ્યું કે આ નિયમનો "તે જ છે જે ૨૮મી સપ્ટેમ્બર ૧૮૯૧ના રોજ ગવર્નર મહોદયના પૂર્વગામીએ જાહેર કર્યાં હતાં અને જે એશોવે કસબા માટેનાં નિયમનો તરીકે અમલમાં છે." એ ઉપરથી ૪થી માર્ચ ૧૮૯૬ના રોજ એક એવી મતલબની વિનંતી કરવામાં આવી કે બ્રિટિશ હિંદીઓ સંબંધમાં આ બંને નિયમનો કાં તો બદલવાં જોઈએ અથવા સુધારવાં જોઈએ.

પમી માર્ચ, ૧૮૯૬ના રોજ એનો એવી મતલબનો જવાબ આવ્યો કે ગવર્નરને આ સૂચન બાબતમાં પગલાં લેવાનું યોગ્ય લાગતું નથી.

આપના અરજદારો દૃઢતાપૂર્વક માને છે કે હિંદી કોમ ઉપર જે અન્યાય લાદવામાં આવ્યો છે તે એટલો તો ઉઘાડો છે કે તેનો ઉપાય કરવા માટે તેને ફક્ત સમ્રાજ્ઞીની સરકારના ધ્યાન પર લાવવો જોઈએ. જો આવો પક્ષપાતભર્યો અને આપના અરજદારો માનપૂર્વક જણાવે છે તેમ બિન-જરૂરી ભેદભાવ સ્વ-શાસન ભોગવતાં સંસ્થાનોમાં ચાલવા નહીં દઈ શકાતો હોય તો પછી તેને એક સમ્રાજ્ઞીની સરકારને આધીન સંસ્થાનમાં તો બિલકુલ જ ચાલવા નહીં દેવો જોઈએ.

આપના ઘણા અરજદારો ઝૂલુલૅન્ડમાં મિલકત ધરાવે છે. ૧૮૮૯ની સાલમાં જયારે મેલ્મોથ કસબાનું વેચાણ થયું હતું ત્યારે હિંદી કોમે એ કસબામાં આશરે ૨,૦૦૦ પાઉન્ડ જમીનમાં જ રોકયા હતા. પોતાના ૨,૦૦૦ પાઉન્ડના રોકાણને હિંદી કોમ નફાકારક બનાવી શકે માત્ર એટલા ખાતર પણ આપના અરજદારોનું કહેવું છે કે તેમને ઝૂલુલૅન્ડમાં છૂટથી જમીન ખરીદવાની પરવાનગી આપવી જોઈએ.

નાતાલમાંનું સરકારી મુખપત્ર [૨]પણ આ અન્યાયને એટલો તો ગંભીર માનતું હતું કે, જોકે નિયમ તરીકે તે હિંદીઓની આકાંક્ષાઓ પ્રત્યે નફરત રાખતું હતું છતાં એણે ઝૂલુલૅન્ડના ગવર્નરને મોકલેલી અરજી તરફ ઘણી જ ભલમનસાઈ બતાવી, એમાં દર્શાવેલા વિચારો એટલા તો ઉચિત છે કે આપના અરજદારો તેને નીચે ઉતારવાની રજા ચાહે છે:

ઝૂલુલૅન્ડમાં એનો ખાસ પોતાનો એવો એક હિંદી પ્રશ્ર ખડો થાય એવો સંભવ છે. નવા જ જાહેર થયેલા નોંદવેની કસબામાં આવેલી જમીનનો નિકાલ કરવા માટે ગયા મંગળવારના સરકારી ગૅઝેટમાં જે નિયમો અને નિયમનો પ્રગટ થયાં છે એમાં સંખ્યાબંધ કલમો એવી છે જે ખાસ કરીને યુરોપિયન જન્મ કે વંશના હોય તે સિવાયના લોકોને એ કસબામાં જમીન ખરીદતાં અથવા કોઈ પણ મિલકત કે જમીન માત્ર કબજામાં રાખતાં પણ રોકનારી છે. આવી બાબતોમાં હંમેશા આગળ રહેનારા હિંદીઓએ આવાં નિયમો અને નિયમનો દાખલ કરતાંની સાથે તેના વિરોધમાં ગવર્નરને એક પત્ર લખી દીધો છે. ઝૂલુલૅન્ડ હજી તો એક બ્રિટિશ સરકારનું સંસ્થાન છે અને તેથી તે વિશેષે કરીને શાહી સત્તાની સીધી દેખરેખ નીચે છે એ જોતાં અને જયારે બ્રિટિશ સરકારને પક્ષે નાતાલમાં પસાર થયેલા મતાધિકાર કાનૂન સુધાર વિધેયકને કાનૂન બનતું અટકાવવાને દેખીતી રીતે જ

  1. ૧. જુએા પા. ૨૨૬.
  2. ૨. આ નિર્દેશ धि नाताल मर्क्युरी વિષેનો છે; જુએ પા. ૧૬૮.