પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
મિ. ચેમ્બરલેનને અરજી
આટલું બધું મજબૂત વલણ છે ત્યારે આવાં નિયમોને અમલમાં કેવી રીતે મૂકી શકાય તે અમે ઠીક રીતે સમજી શકતા નથી. હિંદીઓએ જે વિરોધ-પત્ર રજૂ કર્યો છે તે ઉપરથી અમને માલૂમ પડયું છે કે એમાંના કેટલાક ઝૂલુલૅન્ડમાં જાગીરી મિલકતની માલિકી ધરાવે જ છે; અને બાબત એમ જ હોય તો, બીજું કોઈ પણ કારણ બાજુએ રાખતાં અમને એવું લાગે છે કે અરજદારોની ફરિયાદ વિચારવા લાયક છે. એવું બને કે ઝૂલુપ્રદેશમાં હિંદીઓને જમીનના માલિક બની બેસતા અટકાવવાને જમીનના કબજાની બાબતમાં કેટલીક ખાસ જોગવાઈઓ રાખવામાં આવી હોય, આમ છતાં એ હકીકતની ના પાડી શકાય એમ નથી કે એ પ્રદેશ એક બ્રિટિશ સરકારનું સંસ્થાન છે. એ સ્થિતિમાં એ વાત આશ્ચર્યકારક લાગે છે કે નાતાલ - જેવા એક જવાબદાર શાસનવાળા સંસ્થાનમાં જે નિયમો અને નિયમનોની પરવાનગી અપાઈ નથી તેનો એ પ્રદેશમાં અમલ કરી શકાય છે. દક્ષિણ આફ્રિકાના જુદા જુદા ભાગોમાં પ્રગટ થતાં નિયમો અને નિયમનોમાં તથા કાનૂનો અને પેટા-કાનૂનોમાં ચામડીના રંગ અંગેના ભેદભાવો એટલા વારંવાર દાખલ થઈ જાય છે કે હિંદી કોમને માટે એના હકોને અસર કરનારા બધા જ કાનૂનોથી માહિતગાર રહેવાનું અને સમ્રાજ્ઞીની સરકારનું તેના તરફ ધ્યાન ખેંચવાનું અશકય છે. અને ખાસ તો એ એટલા ખાતર અશકય છે કે જ્યારે એ કોમ મોટે ભાગે પોતાના ધંધા માટે માત્ર જરૂરી હોય એટલું જ જ્ઞાન ધરાવતા વેપારીઓ અને કારીગરોની બનેલી છે અને ઘણી વાર તેમનામાં એવા જ્ઞાનનો પણ અભાવ જોવામાં આવે છે.

અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આપના અરજદારો એવા દાખલાઓમાં પણ સ્થાનિક અધિકારીઓ પાસે ફરિયાદ દૂર કરાવવાની અપેક્ષા રાખી શકતા નથી જેમાં હાલના દાખલાની માફક, જેની ફરિયાદ કરવામાં આવી છે તે અન્યાય બ્રિટિશ બંધારણના મૂળભૂત સિદ્ધાંતો તરફ ધ્યાન નહીં આપવાને પરિણામે પેદા થયેલો છે.

અાપના અ૨જદારોને ભય છે કે જો એક સમ્રાજ્ઞીની સરકાર નીચેનું સંસ્થાન સમ્રાજ્ઞીના પ્રજાજનોના એક ભાગને જમીન-મિલકતના હકો આપવાની ના પાડી શકે છે તો દક્ષિણ આફ્રિકન પ્રજાસત્તાક અને ઑરેન્જ ફ્રી સ્ટેટની સરકારો માટે પણ એ જ પ્રમાણે કરવાનું કે એનાથી પણ આગળ વધવાનું ઘણે અંશે યોગ્ય ગણાશે.

આપના અરજદારો જણાવે છે કે એશોવે માટેનાં નિયમનોમાં રંગ અંગેના ભેદભાવનું અસ્તિત્વ છે એટલે નોંદવેનીમાં પણ એવાં જ નિયમનો કરવાં જોઈએ એ વાત ઉચિત નથી. જે એશોવે માટેનાં નિયમનો બૂરાં હોય તો આપના અરજદારો જણાવે છે કે વધારે સારું તો એ છે કે બંનેને એવી રીતે બદલવાં જોઈએ અથવા સુધારવાં જોઈએ કે જેથી બ્રિટિશ હિંદી પ્રજાજનોના ન્યાયી હકો ઉપર બૂરી અસર થવા નહીં પામે.

આપના અરજદારો આપનું ધ્યાન એવી એક વધારાની હકીકત પ્રત્યે દોરવા માગે છે કે સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને અસર કરતા એકધારા વર્ગભેદ કરતા કાનૂનો માત્ર દક્ષિણ આફ્રિકામાંની હિંદી કોમને ભારે ચિંતામાં નાખીને અટકતા નથી પરંતુ આવા કાનૂનોને બદલવા માટે વારંવાર જે અરજીઓ કરવી પડે છે તેનાથી સારા પ્રમાણમાં ખર્ચ પણ થાય છે. હિંદી સમાજ ભારે સમૃદ્ધિવાન તો નથી જ એટલે આ ખર્ચ તેને પોસાતો નથી. એ ઉપરાંત કાયમી અશાંતિ અને ઉશ્કેરાટની આવી હાલત, એકંદરે હિંદી કોમના વેપારધંધામાં ગંભીર પ્રકારની દખલ ઊભી કરે છે એ વાતનું તો પૂછવું જ શું?