પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
ગાંધીજીનો અક્ષરદેહ

બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મિ. શ્વાને વિધેયકમાં એવી મતલબનો જે સુધારો મૂકયો કે "વિધાનપરિષદોના જે સુધારામાં ચૂંટણીના સિદ્ધાંતનો સમાવેશ ન થતો હોય તે સંતોષકારક થશે નહીં" તેના ઉપર બોલતાં મિ. કર્ઝને કહ્યું:

હું એમનું ધ્યાન એ વાત તરફ દોરવા માગું છું કે અમારા વિધેયકમાંથી કોઈ આવશ્યક એવાં પસંદગી, ચૂંટણી અથવા નિયુક્તિની પદ્ધતિના તત્વનો છેદ ઊડી જતો નથી. સભાગૃહની રજાથી હું ખંડ ૧ની પેટા કલમના શબ્દો વાંચી સંભળાવીશ. આ શબ્દો

નીચે મુજબ છે: "ભારતમંત્રીની સંમતિથી કાઉન્સિલ સાથે રહીને ગવર્નર જનરલ વખતોવખત એવાં નિયમનો ઘડે કે ગવર્નર જનરલ, ગવર્નર અથવા લેફ્‌ટનન્ટ ગવર્નરે અનુક્રમે કઈ શરતો મુજબ આવી નિયુક્તિઓ–અથવા કોઈ એક નિયુક્તિ કરવાની રહેશે. અને એ વાતનો નિર્દેશ પણ કરે કે આવાં નિયમનો કઈ પદ્ધતિથી અમલમાં લાવવામાં આવશે. . . ."

આ ખંડ વિષે લૉર્ડ કિમ્બર્લીએ [૧] પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આ ચૂંટણીના સિદ્ધાંત બાબતમાં હું મારી સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યા સિવાય રહી શકતો નથી.
લૉર્ડ કિમ્બર્લીએ આ કાનૂન નીચે વ્યક્ત કરેલા વિચારો સાથે ભારતમંત્રી સંમત છે:
વાઈસરૉયના અધિકારની એ વાત રહેશે કે તે વિધાનપરિષદોમાં ચૂંટણી-કાનૂનો મુજબ નિયુક્ત થવા માટે, હિંદમાંની જુદી જદી પ્રાતિનિધિક સંસ્થાઓને તેમના જુદા જુદા વિચારના પ્રતિનિધિઓને ચૂંટવા, પસંદ કરવા કે નિયુક્ત કરવા આમંત્રણ આપે.

માનનીય મિ. ગ્લૅડસ્ટને, વિધેયકનું બીજું વાચન તથા તેનો સુધારો રજૂ કરનાર માનનીય ઉપમંત્રીનાં ભાષણો વિષે સ્પષ્ટતા કર્યા બાદ, આ જ વિષય ઉપર બોલતાં જણાવ્યું :

મારું ધારવું છે કે હું એટલી વાત પ્રામાણિકપણે કહી શકું કે ઉપમંત્રીનું ભાષણ ચૂંટણીના તત્વને જે અર્થમાં આપણે અપેક્ષા રાખવી જોઈએ માત્ર તે જ અર્થમાં મૂર્તિમંત કરનું મને દેખાય છે. . . . એ વાત સ્પષ્ટ છે કે આ ગૃહ આગળનો મહાન પ્રશ્ન હિંદની સરકારમાં ચૂંટણીનાં તત્ત્વોને દાખલ કરવાનો છે. અને એ એક ભારે અને ઊંડા રસનો પ્રશ્ન છે. હું એવું ઇચ્છું છું કે એનાં શરૂનાં પગલાં સચ્ચાઈભરેલાં હોવાં જોઈએ અને ચૂંટણીના તત્ત્વને તે જેટલો પણ અવકાશ આપે તે વાસ્તવિક હોવો જોઈએ. આમાં સિદ્ધાંતનો કોઈ મતભેદ નથી. હું માનું છું કે માનનીય સજજને (મિ. કર્ઝને) ચૂંટણીના તત્ત્વનો જે સ્વીકાર કર્યો છે તે જોકે સાવચેતીપૂર્વકનો છે છતાં ખુલ્લા દિલના સ્વીકારથી ભિન્ન નથી.

ઉપરના કાનૂન મુજબ ઘડેલાં અને પ્રગટ થયેલાં નિયમનો ઉપર નજર ફેરવતાં આપના અરજદારો જણાવે છે કે તે આ પહેલાં જણાવેલા વિચારોનું સંપૂર્ણ રીતે સમર્થન કરે છે. મુંબઈની વિધાનપરિષદનો દાખલો લઈએ તો નિયુક્ત કરેલા અઢાર સભ્યોમાંથી, આઠને પ્રતિનિધિત્વ ધરાવતી જુદી જુદી સંસ્થાઓ વડે ચૂંટવામાં આવ્યા છે અથવા નિયમનોમાં કહેવાયું છે તેમ "ભલામણ ઉપરથી નિયુક્ત કરવામાં આવ્યા છે." આ સંસ્થાઓને વિધાનપરિષદને ખાતર મતાધિકાર આપવામાં આવ્યો છે. મુંબઈનું કૉર્પોરેશન, (એ ખુદ ચૂંટણીથી રચાયેલી સંસ્થા


  1. ૧. વિદેશમંત્રી ૧૮૯૪–૫.