પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
નાતાલ ઍસેમ્બલીને અરજી
સરખા સમૂહ માટે કાનૂન ઘડતી અને તેનો વહીવટ ચલાવતી. ગયે વર્ષે પેરિશ કાઉન્સિલ એકટ (પરાં કાઉન્સિલ કાનૂન) અમલમાં આવ્યો ત્યાં સુધી ખુદ ઇંગ્લન્ડમાં પણ આવી ગ્રામસ્વરાજની કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી.

એ જ વિષય ઉપર બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય મિ. શ્વાન કહે છે :

એવું નહીં ધારી લેતા કે હિંદ માટે ચૂંટણીનો પ્રશ્વન નવો પ્રશ્વન છે. . . . ચૂંટણીના પ્રશ્ન કરતાં જેને વિશેષરૂપે હિંદી પ્રશ્ન કહી શકાય એવો બીજો એકે પ્રશ્ન નથી. મોટા ભાગની આપણી સંસ્કૃતિ હિંદમાંથી આવેલી છે. અને એ વાતમાં સહેજ પણ શક નથી કે ખુદ આપણે પોતે ચૂંટણીના સિદ્ધાંતના પૂર્વમાં થયેલા વિકાસનો અમલ કરી રહ્યા છીએ.

આવા સંજોગોમાં જેના ઉપર આ વિધેયકના હેતુની અસર થવાની છે તે હિંદી કોમ એને સમજવામાં ભારે મુશ્કેલી અનુભવે છે.

તમારા અરજદારો જણાવે છે કે આ વિધેયકના અર્થમાં રહેતી અસ્પષ્ટતા અને અનિશ્ચિતપણું ઘણાં જ નાપસંદ કરવા જેવાં છે અને તે યુરોપિયન કે હિંદી કોમ એકેને ન્યાય કરનારાં નથી. એ બંનેને ત્રિશંકુની સ્થિતિમાં મૂકી દે છે અને એ વાત હિંદીઓ માટે દુ:ખદ છે.

તમારા અરજદારો માનનીય વિધાનગૃહનું ધ્યાન સન્માનપૂર્વક એ હકીકત તરફ દોરે છે કે હાલની મતદાર યાદી મુજબ, એક હિંદી સામે યુરોપિયનનું પ્રમાણ ૩૮નું છે, અને હિંદી મતદારો એ કોમના ઘણા જ માનપાત્ર વર્ગમાંથી આવેલા છે, અને તેઓ સંસ્થાનમાં મોટા હિતસંબંધ ધરાવે છે અને લાંબા સમયથી સ્થિર થઈને રહેલા છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે હાલની મતદારોની યાદી ઉપરથી એ વાતનો ખ્યાલ આવી શકે એમ નથી કે ભવિષ્યમાં હિંદી મતો કેવડું મોટું સ્વરૂપ પકડશે પણ હિંદી કોમને મતાધિકાર વિનાની કરવાની ધમકી અપાયાના બે વર્ષના ગાળા દરમિયાન, વધારે હિંદીઓએ પોતાનાં નામો મતદારોની યાદી ઉપર ચડાવ્યાં નથી. આ૫ના અરજદારોના નમ્ર મત પ્રમાણે આ વાત, ઉપરની દલીલનો પૂરેપૂરો રદિયો આપી દે છે. સાચી વાત તો એ છે અને તમારા અરજદારો વ્યક્તિગત અનુભવ ઉપરથી કહેવાની હિંમત કરે છે કે મૂળમાં જ નીચી છે એવી કાયદેસરની મિલકતની લાયકાત ધરાવનારા હિંદીઓની સંખ્યા સંસ્થાનમાં બહુ ઓછી છે.

તમારા અરજદારો આદર સાથે જણાવે છે કે વિચારણા નીચેના વિધેયક સામે અનેક વાંધાઓ કાઢી શકાય એમ છે એમના નમ્ર અભિપ્રાય મુજબ એ બહુ જ પક્ષપાતભરી રીતે રંગનો ભેદભાવ દાખલ કરે છે. કારણ કે એક બાજુથી બીજા દેશોના જે વતનીઓ પોતાના દેશમાં ચૂંટણીને લગતી પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ ધરાવતા નથી તેઓ મતદારો બની નહીં શકે, જ્યારે યુરોપનાં રાજ્યોના વતનીઓ, જેઓ પોતાના દેશમાં આવી સંસ્થાઓ ધરાવતા નથી તેઓ સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાનૂન નીચે મતદારો બની શકે.

એનાથી શંકાસ્પદ આબરૂવાળી બિનયુરોપિયન સ્ત્રીઓના છોકરાઓ, જે તેમનો બાપ યુરોપિયન હોય તો મતદારો તરીકે હકદાર બની શકે, જ્યારે એ ઉચ્ચ કુટુંબની યુરોપિયન સ્ત્રીના છોકરાને, જો તે સ્ત્રી બિનયુરોપિયન જાતિના ઉચ્ચ કુળના માણસને પરણવાનું પસંદ કરે તો સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાનૂન નીચે મતદાર થતો રોકે છે.

માની લઈએ કે હિંદીઓ આ વિધેયકના અમલની મર્યાદામાં આવી જાય છે, તો તેઓ જે પદ્ધતિ નીચે મતદારોની યાદી ઉપર નોંધાશે તે પદ્ધતિ હિંદી કોમને માટે હંમેશને માટે