પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
ગાંધીજીનો અક્ષરદેહ


સંતાપનું કારણ બનશે. અને એવું બને કે એનાથી લાગવગશાહી જન્મે અને હિંદી કોમના લોકોમાં ગંભીર ઝઘડા પેદા થાય.

એ ઉપરાંત, આ વિધેયક હિંદી કોમને, તેઓ પોતાના હકો સ્થાપિત કરી શકે એટલા ખાતર છેડા વિનાની કોરટબાજીમાં સંડોવે એવી ગણતરી છે. તમારા અરજદારોના માનવા મુજબ આ હકો સંસ્થાનની કાયદાની અદાલતોનો આશરો લીધા સિવાય નિશ્ચિત કરી શકાય એવા છે.

આ બધાંથી વિશેષ તો એ વિધેયક, જેઓ હિંદીઓને મતાધિકાર વિનાના કરવા માગે છે એવા યુરોપિયનોના હાથમાંથી આંદોલનને લઈ લઈને હિંદી કોમના હાથોમાં મૂકી દેશે. અને આપના અરજદારોને ભય છે કે આ આંદોલન કાયમને માટે ચલાવ્યે રાખવું પડશે.

અમે ખૂબ જ નમ્રપણે જણાવીએ છીએ કે આ જાતની સ્થિતિ, આ સંસ્થાનમાં વસતી બધી જ કોમોનું હિત જોતાં ઘણી જ અનિચ્છનીય છે.

એક વર્ષથી વધારે સમયની કાળજીભરી તપાસ બાદ આપના અરજદારો એવા નિર્ણય ઉપર આવ્યા છે કે હિંદી મત યુરોપિયન મતને ગૂંગળાવી નાખશે એ બાબતનો ભય તદ્દન કાલ્પનિક છે, અને તેથી અમે ઉત્કટપણે વિનંતી કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આ માનનીય સભાગૃહ હિંદીઓના મતાધિકાર ઉપર ખાસ કરીને મર્યાદા મૂકનારા અથવા સીધી રીતે કે આડકતરી રીતે તેમાં રંગનો ભેદભાવ દાખલ કરનારા કોઈ પણ વિધેયકને મંજૂરી આપતા પહેલાં સાચી પરિસ્થિતિની તપાસ કરાવી લેશે જેથી એ વાત ખુલ્લી થશે કે આ સંસ્થાનમાં મિલકતના ધોરણે મતાધિકાર મેળવી શકે એવા હિંદીઓની સંખ્યા કેટલી છે.

અને આ ન્યાય અને દયાના કાર્ય બદલ આપના અરજદારો ફરજ સમજીને હમેશને માટે બંદગી કરતા રહેશે વગેરે વગેરે.

(સહી)અબદુલ કરીમ હાજી આદમ


અને બીજાઓ

  [મૂળ અંગ્રેજી ]

છાપેલી નકલની છબી પરથી.


૭૯. દાદાભાઈ નવરોજીને તાર

[દાદાભાઈ નવરોજી, સર વિલિયમ હંટર અને મિ. ચેમ્બરલેનને પણ મોકલેલા તારનું મૂળ લખાણ..]

ડરબન,


મે ૭, ૧૮૯૬

હિંદી કોમ આપને દિલપૂર્વક વિનંતી કરે છે કે આપે નાતાલ મતાધિકાર વિધેયક અથવા ગઈ રાત્રે મંત્રીમંડળે તેમાં સૂચવેલો ફેરફાર સ્વીકારી લેવો નહીં. વિનંતીપત્ર[૧] તૈયાર કરી રહ્યો છું.

[મૂળ અંગ્રેજી ]

કૉલોનિયલ ઓફિસ રેકર્ડ્‌ઝ નં. ૧૭૯, ગ્રંથ ૧૯૬.


  1. જુએ પા. ૨૫૧.