પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
ગાંધીજીનો અક્ષરદેહ


ઉપરના વિધેયકના વિભાગ ૧ વડે રદ થયેલો કાનૂન નીચે મુજબ છે:

કારણ કે મતાધિકાર સંબંધી કાનૂનમાં સુધારો કરવાનું અને ધારામંડળને લગતી સંસ્થાઓ નીચે મતાધિકારનો ઉપયોગ કરવાથી નહીં ટેવાયેલી એશિયાઈ જાતિઓને એમાંથી બાદ રાખવાનું જરૂરી છે.
એટલા માટે નાતાલની વિધાન પરિષદ અને વિધાનસભાની સલાહ અને સંમતિથી અને તે દ્વારા મહામહિમાવાન સમ્રાજ્ઞી નીચે મુજબનો કાનૂન બનાવે છે :
૧. આ કાનૂનના વિભાગ ૨ માં અપવાદ કરવામાં આવ્યો છે તેમને બાદ કરતાં એશિયાઈ જાતિઓના લોકોને કોઈ પણ ચૂંટનારાની યાદી કે મતદારોની યાદી ઉપર પોતાનાં નામો નેાંધાવવાનો, અથવા ૧૮૯૩ ના બંધારણ કાનૂનની કલમ ૨૨ના અથવા વિધાનસભાના સભાસદોની ચૂંટણી સંબંધી કોઈ પણ કાનૂનના અર્થની અંદર રહીને ચૂંટનારાઓ તરીકે મત આપવાનો અધિકાર રહેશે નહીં.
૨. આ કાનૂનના વિભાગ ૧ની જોગવાઈઓ એ વિભાગમાં દર્શાવેલી એવી વ્યક્તિઓને લાગુ નહીં પડશે જેમનાં નામો આ કાનૂન અમલમાં આવવાની તારીખે જારી હોય એવી કોઈ પણ મતદાર યાદી ઉપર વાજબી રીતે ચડેલાં હોય અને જે વ્યક્તિઓ બીજી રીતે ચૂંટનારા તરીકેની યોગ્યતા અને હક ધરાવતી હોય.
૩. આ કાનૂન ત્યાં સુધી અમલમાં આવશે નહીં જ્યાં સુધી ગવર્નર નાતાલ સરકારના ગૅઝેટમાં એવી ઘોષણા નહીં કરે કે સમ્રાજ્ઞીએ કૃપા કરીને આ કાનૂનને નામંજૂર કર્યો નથી, અને એ પછી એ કાનૂન, ગવર્નર એ જ ઘેાષણા અથવા બીજી ઘોષણા વડે જાહેર કરશે તે દિવસે અમલમાં આવશે.

વિચારણા નીચેના વિધેયક સંબંધમાં હિંદી કોમના વિચારો રજૂ કરતી એક અરજી[૧] ૨૮મી એપ્રિલ, ૧૮૯૬ના રોજ વિધાનસભાને મોકલવામાં આવી હતી. क ચિહનવાળી એની એક નકલ આ સાથે સામેલ કરી છે.

૧૮૯૬ના મેની ૬ઠ્ઠી તારીખે વિધેયક બીજા વાચનમાંથી પસાર થયું, એ વખતે મુખ્ય મંત્રી માનનીય સર જૉન રૉબિન્સને પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે મંત્રીઓએ આપની પાસે એ જાણવાની કોશિશ કરી હતી કે આપ ઉપરના વિધેયકમાં “ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ” શબ્દો પહેલાં “મતાધિકાર પર રચાયેલી” શબ્દો મૂકવાને સંમત થશે ખરા, અને આપ એમાં સંમત હતા.

એ ઉપરથી ૧૮૯૬ના મેની ૭મી તારીખે આ૫ના અરજદારોએ આપ મહોદયને નીચેની મતલબનો તાર મોકલ્યો :

હિંદી કોમ આપને દિલપૂર્વક વિનંતી કરે છે કે નાતાલ મતાધિકાર વિધેયકને અથવા ગઈ રાત્રે રજૂ કરેલા તેના ઉપરના મંત્રીઓના સુધારાને મંજૂરી આપવામાં નહીં આવે. અરજી તૈયાર કરી રહ્યા છીએ.

પરંતુ ૧૧ મે, ૧૮૯૬ના રોજ માનનીય સર જૉન રૉબિન્સને કમિટીમાં જાહેરાત કરી કે આપ મહોદય 'મતાધિકાર' શબ્દ આગળ એક વધુ શબ્દ એટલે “સંસદીય” (પાર્લમેન્ટરી) શબ્દ વધારામાં ઉમેરવાને સંમત થયા છો.


  1. ૨૭, એપ્રિલ ૧૮૯૬ની અરજી, જુએ પા. ૨૪૨.