પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પ૩
મિ. ચેમ્બરલેનને અરજી

એટલે હવે પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ વિષેની વિધેયકની વાત આ પ્રમાણે વંચાશે : “સંસદીય મતાધિકાર પર રચાયેલી ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ”.

આ૫ના અરજદારો નમ્રપણે એવું ધારે છે કે હિંદી કોમને અને ખરેખર બધી જ કોમોને સંબંધ છે ત્યાં સુધી હાલનું વિધેયક જે કાનૂનને એ રદ કરે છે તેના કરતાં વધારે ખરાબ છે.

એટલે આપના અરજદારોને એ વાતનું દુ:ખ છે કે આપે વિધેયકને મંજૂર રાખવાનું પસંદ કર્યું છે. પરંતુ એઓ એવી શ્રદ્ધા રાખે છે કે આપની સમક્ષ અહીં નીચે રજૂ કરેલી હકીકતો અને દલીલો એવી છે કે એનાથી આપને આપના વિચારો ફરીથી તપાસી જવાને ઉત્તેજન મળશે.

તમારા અરજદારો આખો વખત ભારપૂર્વક કહેતા આવ્યા છે કે હિંદીઓ હિંદમાં ચૂંટણીમુલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓનો લાભ ઉઠાવતા આવ્યા છે, પણ મતાધિકારના પ્રશ્ન બાબતમાં પ્રગટ થયેલાં લખાણો એવું બતાવતાં લાગે છે કે હિંદીઓ આવી સંસ્થાઓ ધરાવે છે એવું આપ માનતા નથી. આપ “મહોદયના વિચારો પ્રત્યે ખૂબ જ આદર સાથે આપના અરજદારો આપનું ધ્યાન, વિરદ્ધ અભિપ્રાયનું સમર્થન કરતાં બિડાણ “क”માં ટાંકેલા ઉતારા તરફ ખેંચવાની રજા ચાહે છે. હિંદમાં ચૂંટણીમૂલક પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ બાબતના આપ મહાશયના વિચારો અને હાલના વિધેયકને આપે આપેલી મંજૂરી નાતાલમાંની હિંદી કોમને ઘણી જ દુ:ખદ અને કઢંગી સ્થિતિમાં મૂકી દે છે.

આપના અરજદારો જણાવે છે કે

૧. નાતાલમાં હિંદીઓના મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકતો કોઈ પણ કાનૂન જરૂરી નથી.
૨. આ મુદ્દા અંગે જો કોઈ પણ જાતની શંકા હોય તો આવી જરૂરિયાત છે કે નહીં તે વિષે પ્રથમ એક તપાસ હાથ ધરાવી જોઈએ.
૩. એવું માની લેવામાં આવે કે જરૂરિયાત છે તો હાલનું વિધેયક આ મુશ્કેલીનો સરળપણે અને ખુલ્લી રીતે સામનો કરતું હોય એવું દેખાતું નથી.
૪. જો સમ્રાજ્ઞીની સરકારને આ વિધેયકની જરૂરિયાત વિષે પૂરેપૂરી ખાતરી થઈ હોય અને તેમને એ પણ ખાતરી થઈ હોય કે જાતિ કે વર્ગનું ધોરણ સ્વીકાર્યા સિવાય આ મુશ્કેલીને ઉકેલ કાઢે એવા કોઈ વિધેયકની કલ્પના પણ થઈ શકતી નથી, તો એ વધારે સારું છે કે કોઈ પણ મતાધિકાર અંગેના વિધેયકમાં હિંદીઓનો ખાસ નામ દઈને ઉલ્લેખ થવો જોઈએ.
૫. હાલના વિધેયકમાં મોઘમપણું અને અસ્પષ્ટતા રહેલાં હોઈ તેનાથી છેડા વિનાની કોરટબાજી ઊભી થશે.
૬. એ હિંદી કોમને, તેના ગજા બહારના ખર્ચમાં ઉતારી દેશે.
૭. માની લેવામાં આવે કે વિધેયક હિંદી સમાજ ઉપર અસર પહોંચાડે છે તો પછી એ સમાજની કોઈ પણ વ્યક્તિ માટે એના અમલમાંથી અપવાદરૂપે છૂટા રહેવા માટે વિધેયકમાં જે પદ્ધતિની જેગવાઈ કરવામાં આવી છે તે, આપના અરજદારો આદરપૂર્વક જણાવે છે કે મનસ્વી અને અન્યાયભરી છે અને એનાથી હિંદી સમાજના સભ્યોમાં અંદર અંદર ઝઘડા પેદા થાય એવો સંભવ છે.
૮. રદ કરવામાં આવેલા કાનૂનની માફક આ વિધેયક યુરોપિયનો અને બીજાઓ વચ્ચે પક્ષપાતભર્યો ભેદભાવ ઊભો કરે છે.