પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
ગાંધીજીનો અક્ષરદેહ

તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે નાતાલની મતદારયાદીની હાલની સ્થિતિ, હિંદી મતાધિકાર ઉપર નિયંત્રણ મૂકવા માટે કોઈ પણ કાનૂન બનાવવાનું તદ્દન બિનજરૂરી બનાવી દે છે. એવું દેખાય છે કે સમ્રાજ્ઞીના પ્રજાજનોના બહુ મોટા વિભાગ ઉપર અસર પાડનારો કાનૂન પસાર કરવામાં નાહકની ઉતાવળ થઈ રહી છે. એ વાત સ્વીકારવામાં આવી છે કે ૯૩૦૯ યુરોપિયન મતદારો સામે હિંદી મતદારો માત્ર ૨૫૧ જ છે; તેમાંના ૨૦૧ વેપારીઓ અથવા કારકુનો, મદદનીશો, શાળાશિક્ષકો વગેરે છે અને ૫૦ માળીઓ તથા બીજાઓ છે; અને આ મતદારોમાંના મોટા ભાગના લાંબા સમયથી સંસ્થાનમાં વસેલા છે. તમારા અરજદારો જણાવે છે કે આ આંકડાઓથી કોઈ પણ નિમંત્રણમૂલક કાનૂનની જરૂર સાબિત નથી થતી. વિચારણા નીચેના વિધેયકનો હેતુ દૂરના, સંભવિત અને શકય ભયનો ઉપાય કરવાનો છે. જેનું અસ્તિત્વ જ નથી એવા ભયને ખરેખરો માની લેવામાં આવ્યો છે. માનનીય સર જૉન રૉબિન્સને વિધેયકનું બીજું વાચન રજૂ કરતી વખતે યુરોપિયન મતને હિંદી મત ગૂંગળાવી દેશે એવા ભયનાં ત્રણ કારણો ગણાવ્યાં છે : તે છે

૧. હાલના વિધેયક વડે રદ કરાયેલા મતાધિકાર કાનૂન બાબતમાં સમ્રાજ્ઞીની સરકારને મોકલાયેલી અરજી ઉપર લગભગ ૯૦૦૦ હિદીઓએ સહીઓ કરી હતી એ હકીકત.
૨. સંસ્થાનમાં નજીક આવતી સામાન્ય ચૂંટણી.
૩. નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનું અસ્તિત્વ.

પ્રથમ કારણ બાબતમાં એ વિષય ઉપરના પત્રવ્યવહારમાં પણ નાતાલ સરકારે એવી દલીલ કરી છે કે આ ૯૦૦૦ સહી કરનારાઓ મતદારોની યાદી ઉપર પોતાનાં નામો ચડાવવા માગતા હતા, એ અરજીનો પહેલો ફકરો એ દલીલનો પૂરતો જવાબ છે. આપના અરજદારો નમ્રપણે જણાવે છે કે આ અરજી ઉપર સહી કરનારાઓએ આવી કોઈ વસ્તુની કદી માગણી કરી નથી. બેશક એમણે હિંદીઓને એકસામટા મતાધિકારથી વંચિત કરવા સામે વાંધો લીધો છે. તમારા અરજદારો નમ્રપણે માને છે કે એ વિધેયકને કારણે દરેક હિંદી ઉપર, પછી તે મિલકતની લાયકાત ધરાવતો હોય કે ન હોય, ઘણી જ મહત્ત્વની અસર થયેલી છે. આપના અરજદારો એ વાત સ્વીકારે છે કે માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે દર્શાવેલી આ હકીકત ઉપરથી દેખાય છે કે હિંદીઓમાં અમુક હદની સંગઠન શક્તિ રહેલી છે. પરંતુ આપના અરજદારો આદરપૂર્વક દાવો રજૂ કરે છે કે સંગઠન શક્તિ ગમે એટલી બળવાન હોય તોપણ તે કુદરતી બળોની રુકાવટોને દૂર કરી શકે એમ નથી. ૯૦૦૦ સહી કરનારાઓમાંથી જેઓ મતદારોની યાદી ઉપર આ પહેલાં ચડેલા છે તેમના ઉપરાંત સો જેટલા લોકો પણ કાયદેસરની મિલકતની લાયકાત ધરાવતા નથી.

બીજાં કારણ બાબતમાં માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે કહ્યું :

હું સભાસદોને એ વાત યાદ દેવડાવવા માગું છું કે સામાન્ય ચૂંટણી નજીકમાં જ આવી રહી છે. અને એ સામાન્ય ચૂંટણી કઈ મતદારયાદીને આધારે લડાવાની છે એનો સભાસદોએ વિચાર કરવો પડશે. આવતી વખતની મતદારયાદી ઉપર કેટલા હિંદીઓ હશે કે નહીં હોય એ કહેવાનું મારું કામ નથી, પણ સરકાર સમજે છે કે એવો સમય આવી ગયો છે કે જયારે આ પ્રશ્નને ઉઠાવી લેવામાં વધારે ઢીલ નહીં કરવી જોઈએ, અને એનો હંમેશાંને માટે એક વારનો નિકાલ પાડી દેવો જોઈએ.