પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૫
મિ. ચેમ્બરલેનને અરજી


માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદ પ્રત્યે ઘટતા આદર સાથે તમારા અરજદારો જણાવે છે કે આ બધાં જોખમો માટે હકીકતમાં કોઈ પાયો નથી. १८९५ना वर्ष माटेना वसाहती संरक्षकना हेवाल मुजब સંસ્થાનમાંના ૪૬,૩૪૩ હિંદીઓમાંથી માત્ર ૩૦,૩૦૩ સ્વતંત્ર હિંદીઓ છે. તેમાં આશરે પ૦૦૦ વેપાર કરનારી હિંદી વસ્તીની સંખ્યા ઉમેરી શકાય. આ રીતે ૪૫,૦૦૦ ઉપરાંત યુરોપિયનો સામે, જો એમની જોડે હરીફાઈ કરી જ શકે એમ હોય તો માત્ર ૩૫,૦૦૦ હિંદીઓ છે. એ વાત સહેલાઈથી જોઈ શકાય એવી છે કે ગિરમીટ નીચેના ૧૬,૦૦૦ હિંદીઓ, તેમની ગિરમીટની મુદત દરમિયાન હરીફાઈ કરી નહીં શકે. પણ ૩૦,૩૦૩ લોકોમાંની મોટી બહુમતી ગિરમીટ નીચેના હિંદીઓ કરતાં માત્ર એકાદ પાયરી આગળ હશે, અને તમારા અરજદારો અંગત અનુભવ ઉપરથી કહી શકે એમ છે કે આ સંસ્થાનમાં હજારો હિંદીઓ એવા છે જે વરસ દિવસે ૧૦ પાઉન્ડ જેટલું ભાડું પણ ભરતા નથી. હકીકત એ છે કે હજારો લોકો એવા છે કે તેમણે આટલી રકમ ઉપર તેમનો જીવનવ્યવહાર ગબડાવવાનો છે. તો પછી, તમારા અરજદારોનો સવાલ એ છે કે, આવતે વર્ષે હિંદીઓ મતદારોની યાદી ઉભરાવી કાઢશે એવો ભય કયાં રહ્યો છે?

મતાધિકાર ખેંચી લેવાની ધમકી બે વર્ષથી અપાઈ રહી છે. એ ગાળામાં બે વાર મતદારોની યાદીમાં સુધારા કરવામાં આવ્યા છે. રખેને ઘણા લોકોને બાતલ રાખવામાં આવે એવી ધાસ્તી હતી એટલે હિંદીઓ માટે હિંદી મતોમાં વધારો કરવા માટેનું દરેક રીતનું પ્રલોભન રહેતું હતું. અને તે છતાં હિંદી કોમ તરફથી મતદારોની યાદી ઉપર એક નામનો ઉમેરો થયો નહોતો.

પરંતુ માનનીય વિધેયક રજૂ કરનાર સભાસદે આગળ કહ્યું:

કદાચ, સભાસદોને એ વાતની માહિતી નહીં હોય કે આ દેશમાં એક એવી સંસ્થા છે જે એની રીતે બહુ બળવાન સંસ્થા છે, બહુ સંગઠિત સંસ્થા છે, જોકે તે લગભગ ગુપ્ત સંસ્થા છે, હું ઇન્ડિયન કૉંગ્રેસની વાત કહી રહ્યો છું. આ સંસ્થા પાસે મોટાં ફંડો છે, એ સંસ્થામાં પ્રમુખસ્થાને ઘણા કુશળ અને શક્તિશાળી માણસો છે અને એ સંસ્થા એક એવી સંસ્થા છે જેનું નિશ્ચિત ધ્યેય આ સંસ્થાનના વહીવટમાં મજબૂત રાજદ્વારી તાકાત અજમાવવાનું છે.

આપના અરજદારો એટલું કહેવા માગે છે કે કૉંગ્રેસ વિષેનો આ અંદાજ સાચી હકીકતો વડે યોગ્ય ઠરી નથી શકતો. નાતાલના માનનીય મુખ્યમંત્રી તથા કૉંગ્રેસના માનદ મંત્રી વચ્ચેના પત્રવ્યવહાર ઉપરથી એ દેખાઈ આવશે કે ગુપ્તતાનો આક્ષેપ એક ભૂલભરેલી છાપને કારણે કરવામાં આવ્યો છે. (પરિશિષ્ટો ક, ખ, ગ [૧]). આ પ્રશ્વ અંગે ગઈ તા. ૨૦મીએ વિધાનસભામાં એમણે એક નિવેદન પણ કર્યું હતું, એ જ પ્રમાણે કૉંગ્રેસે કોઈ પણ આકારે કે સ્વરૂપે મજબૂત રાજદ્વારી તાકાત અજમાવવાનો હેતુ રાખ્યો નથી કે પ્રયાસ કર્યો નથી. ગયે વર્ષે દક્ષિણ આફ્રિકાના લગભગ દરેક અખબારમાં નીચેનાં કૉંગ્રેસનાં ધ્યેયો પ્રગટ થયાં હતાં :

"(૧) સંસ્થાનમાં વસતા યુરોપિયનો અને હિંદીઓ વચ્ચે વધારે સારી સમજણ પેદા કરવી તથા ભ્રાતૃભાવ કેળવવો. "(૨) હિંદ અને હિંદીઓ વિષે છાપાંઓને લખીને, પુસ્તિકા પ્રગટ કરીને, ભાષણો ગોઠવીને માહિતીનો ફેલાવો કરવો.


  1. ૧. જુએા પા. ૧૪૯, ૨૫૦.