પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
ગાંધીજીનો અક્ષરદેહ


"(૩) હિંદીઓને, ખાસ કરીને સંસ્થાનમાં જન્મેલા હિંદીઓને હિંદના ઇતિહાસ વિષે શિક્ષણ આપવું, અને હિંદ સંબંધના વિષયોનો અભ્યાસ કરવા પ્રેરણા આપવી.

"(૪) હિંદીઓ જેનાથી કષ્ટ ભોગવતા હોય એવી જુદી જુદી ફરિયાદોની તપાસ કરવી અને તે દૂર કરવા માટે બધી બંધારણીય રીતોનો આશરો લઈને ચળવળ ચલાવવી.

"(પ) ગિરમીટ નીચેના હિંદીઓની હાલત વિષે તપાસ કરવી અને તેમને ખાસ મુસીબતોમાંથી છૂટવા મદદ કરવી.

"(૬) ગરીબો અને કંગાલોને બધા યોગ્ય ઉપાયે મદદ કરવી.

"(૭) અને એકંદરે જેનાથી હિંદીઓ નૈતિક, સામાજિક, બૌદ્ધિક અને રાજદ્વારી દૃષ્ટિએ વધારે સારી પાયરીએ પહેાંચે એવાં બધાં કામો કરવાં."

આ રીતે એ વાત દેખાઈ આવશે કે કૉંગ્રેસનું ધ્યેય અવનતિને રોકવાનું છે અને રાજદ્વારી અધિકાર મેળવવાનું નથી. ફંડ બાબતમાં આ લખતી વખતે કૉંગ્રેસ પાસે પાઉન્ડ ૧,૦૮૦ની કિંમતની મિલકત છે અને બેંકમાં પાઉન્ડ ૧૪૮-૭-૬ પેન્સ જેટલી સિલક છે. આ પૈસા મફત મદદ આપવામાં, વિનંતીપત્રો છપાવવામાં અને બીજાં કામકાજના ખર્ચમાં વાપરવાના હોય છે. તમારા અરજદારોના નમ્ર મત પ્રમાણે કૉંગ્રેસનાં ધ્યેયો પાર પાડવા માટે એ ભાગ્યે જ પૂરતાં છે. પૈસાની તંગીને કારણે કેળવણીનું કાર્ય મોટે ભાગે ખોટકાઈ પડયું છે. એટલા માટે તમારા અરજદારો જણાવે છે કે હાલના વિધેયકનો હેતુ જે જોખમ સામે રક્ષણ આપવાનો છે તે જોખમનું બિલકુલ અસ્તિત્વ જ નથી.

તોપણ તમારા અરજદારો સમ્રાજ્ઞીની સરકારને એવી વિનંતી નથી કરતા કે એમના પોતાના કહેવા માત્રથી ઉપરની હકીકતો સાચી હોવાનું સ્વીકારી લેવામાં આવે જો એમાંથી કોઈ પણ બાબતમાં કાંઈ પણ શંકા હોય તો અરજદારોનું કહેવું એ છે કે સાચો રસ્તો એ બાબતમાં તપાસ કરાવવાનો છે. સૌથી મહત્વની બાબત એ છે કે હજારો લોકો એવા છે કે જેઓ મતદારો થવા માટે જરૂરી મિલકતની લાયકાત ધરાવતા નથી. એટલા ખાતર તમારા અરજદારોનું કહેવું એ છે કે એ વાતની ખાસ કરીને તપાસ કરવી જોઈએ કે સંસ્થાનમાં ૫૦ પાઉન્ડની કિંમતની સ્થાવર મિલકત ધરાવતા અથવા જેઓ વાર્ષિક પાઉન્ડ ૧૦નું ભાડું ભરતા હોય એવા કેટલા હિંદીઓ છે. આવા અાંકડા તૈયાર કરવામાં ઘણા પૈસા કે ઘણો સમય ખર્ચાવાના નથી. અને તેનાથી મતાધિકારના પ્રશ્નના સંતોષકારક ઉકેલ અંગે ઘણી મહત્ત્વની મદદ મળશે. આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ कोई ने कोई કાનૂન પસાર કરવાની ભારે ઉતાવળ કરવાનું એકંદરે સંસ્થાનનાં ઉત્તમ હિતોને બાધારૂપ છે. હિંદી કોમના પ્રતિનિધિ તરીકે તમારા અરજદારોને લાગેવળગે છે ત્યાં સુધી અને જે સંસ્થાના સભ્યો હોવાનું તેમને માન મળેલું છે તેના તરફથી અધિકારપૂર્વક બોલતાં આથી સમ્રાજ્ઞીની સરકારને ખાતરી આપે છે કે આવતા વર્ષની સામાન્ય ચૂંટણી માટેની મતદારોની યાદી ઉપર એક પણ હિંદી મતદારનું નામ ચડાવવાનો પ્રયાસ કરવાનો તેમનો હેતુ નથી.

હાલના વિધેયકની ચર્ચા કરતાં સરકારી મુખપત્રે એક ઘણુંખરું બહારની પ્રેરણાથી લખાયેલા લેખમાં એવા અભિપ્રાયને ટેકો આપ્યો છે કે "જોખમ" કાલ્પનિક છે. એ કહે છે:

એ ઉપરાંત અમને એ વાતની ખાતરી લાગે છે કે, જો કદી એશિયાઈ મત સંસ્થાનમાંના યુરોપિયન રાજઅમલની સ્થિરતાને જોખમરૂપ બને તો શાહી સરકાર આવી મુશ્કેલીમાંથી