પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૮
ગાંધીજીનો અક્ષરદેહ
અથવા સંજોગોને અનુરૂપ તેનું કોઈ સુધારેલું સ્વરૂપ અમલમાં આણતાં આપણને કોઈ રોકી શકે એમ નથી. (૫ માર્ચ, ૧૮૯૬)

આ રીતે એ વાત સ્પષ્ટ છે કે સરકારી મુખપત્રના કહેવા પ્રમાણે મતયાદી ઉપર હિંદી મતદારોનો અણઘટતો ધસારો અટકાવવાને માટે હાલની મિલકત અંગેની લાયકાતો પૂરતા પ્રમાણમાં ઊંચી છે અને હાલના વિધેયકનો એકમાત્ર ઉદ્દેશ હિંદી કોમને હેરાન કરવાનો – તેમને ખર્ચાળ કોરટબાજીનો ભોગ બનાવવાનો છે.

૧૮૯૫ના મોરિશિયસની ડાયરી (અલ્મેનાક) મુજબ ૧૮૯૪માં એ ટાપુની વસ્તી "સામાન્ય વસ્તી" એ મથાળાં નીચે ૧,૦૬,૯૯૫ માણસો સામે ૨,૫૯,૨૨૪ હિંદીઓની હતી. ત્યાં મતાધિકારની લાયકાત નીચે મુજબ છે:

દરેક પુરુષને કોઈ પણ વર્ષમાં, કોઈ પણ ચૂંટણી વિભાગ માટે મતદાર તરીકે નોંધાવાનો હક રહેશે, અને નામ નેાંધાઈ જતાં એ વિભાગ માટેના કાઉન્સિલના સભાસદની ચૂંટણી વખતે મત આપવાનો હક રહેશે. એનામાં નીચેની લાયકાતો હોવી જોઈએ:

૧. એ ૨૧ વર્ષની ઉંમરે પહોંચેલો હોવો જોઈએ.

૨. એ કોઈ કાનૂની ગેરલાયકાતના દોષમાં નહીં હોવો જોઈએ.

૩. એ જન્મથી અથવા વસવાટથી બ્રિટિશ પ્રજાજન હોવો જોઈએ.

૪. નેાંધાયાની તારીખ પહેલાં કાંઈ નહીં તો ત્રણ વર્ષ માટે સંસ્થાનમાં રહેતો હોવો જોઈએ. અને તે નીચેની લાયકાતોમાંથી કોઈ એક ધરાવતો હોવો જોઈએ:

(ક) દર વર્ષની ૧લી જાન્યુઆરીના રોજ અને તે પહેલાંના છ મહિના દરમિયાન એની પાસે એ વિભાગમાં એટલી સ્થાવર મિલકત હોવી જોઈએ કે જેની આવક બધો ખર્ચ અને એના ઉપરના બધા બોજા બાદ જતાં વાર્ષિક રૂ. ૩૦૦ હોય અગર માસિક રૂ. ૨પ હોય.

(ખ) નામ નોંધાવવાની તારીખે તે એ વિભાગમાં સ્થાવર મિલકતનું ઓછામાં ઓછું માસિક રૂ. ૨૫ ભાડું આપતો હોવો જોઈએ. આ ભાડું તે એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના છ માસ દરમિયાન આપતો હોવો જોઈએ.

(ગ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો હોવો જોઈએ અથવા તેનું ધંધો અગર નોકરીનું મુખ્ય સ્થળ ત્યાં હોવું જોઈએ. અને એ વિભાગમાં તે ઓછામાં ઓછી રૂ. ૩,૦૦૦ની કિંમતની જંગમ મિલકતનો માલિક હોવો જોઈએ.

(ઘ) તે ઉપરની કોઈ પણ લાયકાતોમાંની એક ધરાવતી પત્નીનો પતિ હોવો જોઈએ અથવા વિધવાનો સૌથી મોટો પુત્ર હોવો જોઈએ.

(ઙ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો અગર પોતાના ધંધાનું કે નોકરીનું મુખ્ય સ્થળ ધરાવતો હોવો જોઈએ અને ઓછામાં ઓછા વાર્ષિક રૂ. ૬૦૦ અગર માસિક રૂ. પ૦નો પગારદાર હોવો જોઈએ.

(ચ) એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ત્રણ માસ દરમિયાન તે એ વિભાગમાં રહેતો અગર પોતાના ધંધાનું કે નોકરીનું સ્થળ ધરાવતો હોવો જોઈએ અને ઓછામાં ઓછી રૂ. ૫૦ની પરવાના-ફી ભરતો હોવો જોઈએ.