પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
મિ. ચેમ્બરલેનને અરજી


આમાં શરત એટલી કે:

(૧) એવી કોઈ વ્યક્તિને મતદાર યાદીમાં નામ નોંધાવવાનો અથવા પરિષદના સભાસદની ચૂંટણીમાં મત આપવાનો હક રહેશે નહીં, જેને આપણાં સંસ્થાનોની કોઈ પણ કોર્ટમાં ખોટી સાક્ષી પૂરવાના ગુના માટે સજા થઈ હોય અથવા જેને એવી કોર્ટે મોતની, કાળાપાણીની અથવા સખત મજૂરીની કેદની અથવા બાર માસથી વધારે મુદતની સજા કરી હોય અને જેણે એ સજા અથવા કોઈ લાયક અધિકારીએ એને બદલે આપેલી સજા ભોગવી નહીં હોય અથવા જેને અમારા તરફથી માફી નહીં મળી હોય.

(૨) એવી કોઈ વ્યક્તિને કોઈ વર્ષમાં મતદાર તરીકે નોંધવામાં નહીં આવશે જેણે એ વર્ષની ૧લી જાન્યુઆરી પહેલાંના ૧૨ મહિના દરમિયાનમાં સરકાર પાસેથી કે દેવળમાંથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ મેળવી હોય.

(૩) કોઈ પણ વર્ષમાં કોઈ પણ વ્યક્તિને મતદાર તરીકે નામ નેાંધાવવા દેવામાં નહીં આવશે, સિવાય કે તે નોંધણી અમલદાર અથવા કોઈ એક ન્યાયાધીશની હાજરીમાં નોંધણીના પોતાના દાવાપત્ર ઉપર પોતાના હસ્તાક્ષરમાં પોતાનું નામ લખે, અને તેના ઉપર નોંધણીની તારીખની તથા નેાંધાવા માટે જે લાયકાતનો દાવો કરતો હોય તેની નોંધ કરે.

(૪) કોઈ પણ વ્યક્તિ જે ગ, ઘ, ઙ, અને ચ લાયકાતોમાંની એક લાયકાત નીચે પોતાના વિભાગમાં રહેતી હોવાના કારણે મતદાર તરીકે નામ નોંધાવવાનો દાવો કરતી હશે તેને એ જ લાયકાતો અંગે તેના ધંધાના કે નોકરીના મુખ્ય સ્થળવાળા વિભાગમાં નામ નોંધાવવા દેવામાં આવશે નહીં. આ વાત ઊલટાસૂલટી લાગુ પડે છે એટલે તે જો નોકરી કે ધંધાના સ્થળવાળા વિભાગમાં નેાંધાવવાનો દાવો કરશે તો તેને રહેવાના સ્થળવાળા વિભાગમાં નામ નોંધાવવા દેવામાં આવશે નહીં.

જોકે મોરિશિયસમાં હિંદીઓની વસ્તી સામાન્ય વસ્તી કરતાં બમણી છે અને મોરિશિયસમાંના હિંદીઓ નાતાલમાંના હિંદઓ જે વર્ગમાંથી આવે છે તેમાંથી જ આવે છે. છતાં આ લાયકાતોને લઈને ત્યાં દેખીતી રીતે જ કોઈ મુસીબત દેખાઈ નથી. માત્ર ત્યાં તેઓ તેમના નાતાલના ભાઈઓ કરતાં ઘણા વધારે સમૃદ્ધ છે.

આમ છતાં જો એવું માની લેવામાં આવે કે હિંદી મતાધિકારના પ્રશ્નનો ઉકેલ કાઢવાની જરૂર જ છે તો તમારા અરજદારો આદરપૂર્વક કહેવા માગે છે કે હાલનું વિધેયક એને સરળતાથી અને ખુલ્લી રીતે પહોંચી વળશે એવું માની શકાતું નથી. નાતાલના માનનીય અને વિદ્વાન ઍટર્ની જનરલે, વિધેયકના બીજા વાચનની ચર્ચા દરમિયાન, ચાલુ કાનૂનમાં થોડો ફેરફાર કરવાના સૂચનના જવાબમાં એવું કહ્યાનું જાણવામાં અાવ્યું છે કે:

આ ફેરફાર કરવાની હું ના પાડું છું તેનું કારણ એ છે કે દેખીતી રીતે એ પ્રમાણે કરવાનો અર્થ એ ચૂપચાપ પાછલે હાથે કરવા બરાબર છે, જ્યારે સરકારે તો એ ધોળે દિવસે ખુલ્લંખુલ્લા કરવા ધાર્યું હતું.

સૌને અંધારામાં રાખનારી ચાલુ વિધેયકને પસાર કરવાની રીત કરતાં "ચૂપચાપ પાછલે હાથે” કરવાની વધારે સારી રીતની કલ્પના કરવાનું મુશ્કેલ છે. ૮મી મે, ૧૮૯૬નું नाताल एडवर्टाईझर કહે છે: