પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
ગંગા-ગુર્જર વાર્તા

ગંગાનો હાથ વચ્ચે આવ્યાથી તેનાપર પડ્યો, ને ગંગાને ઘણી કળ ચઢી. સુલક્ષણી ગંગા એના માબાપને ત્યાં અતિશય લાડકી હતી, ને કદી એના બાપે કે માએ, તેમ કિશોરે પણ એક શબ્દ કહ્યો ન હતો, તેના સુકોમળ હાથપર આ ફટકો પડ્યો એ ઘણો લાગ્યો, તે પણ ઘણી ધીરજથી તે સહન કરીને કેશવને દૂર ખસેડ્યો, કેશવ હંમેશાં પોતાના નાના ભાઈની ધણિયાણીને - તેના સદ્ગુણને માટે જ નહિ, પણ ઘર કુટુંબમાં તે એક રત્ન છે એમ જાણીને અતિશય માનથી જોતો હતો, પણ આજે ક્રોધાંધ થવાથી જ અપમાન આપ્યું હતું. ગંગાએ દૂર ખસેડ્યાથી કેશવલાલ શરમાયો, ગંગાના હાથ પર લાકડીનો સપાટો પડ્યો હતો તેથી ગંગાની આંખમાંથી આંસુ વહ્યાં, પણ તે તેણે પોતાના પાલવથી લૂછી નાખ્યાં, જે કેશવે જોયાં.

“ગંગા ભાભી, તમને મારાથી અપમાન થયું છે, પણ મનમાં નહિ લાવતાં.” કેશવે ઘણા પ્રેમથી કહ્યું.

“તમારે માટે મારે શું ધારવું ? આજે કેમ ખામોશી નહિ પકડી ? આ પ્રમાણે સંસાર ચલાવશે કે ? હજી ઘણા દહાડા લેવાના છે તેથી એમ નભશે નહિ.”

“ગંગા, કદી માજીની ભૂલ હતી, તો પણ એણે જે રીતિ ચલાવી તે ઠીક હતી વારુ ?”

“મારે જવાબ દેવાની જરૂર નથી. તમે જાણો છો કે ઘડપણને લીધે તેમનો સ્વભાવ બગડી ગયો છે, પણ તમે જરાપણ લાયકી બતાવી નથી, ને ઉલટો કજિયો વધાર્યો. વગર જાણે કોઈના કહેવા પરથી એકદમ ગુસ્સો ચડે એવા આકરા સ્વભાવ નહિ રાખવા જોઈએ. શું ભાઈજી, મારે તમને એમ કહેવું કે તમે અજ્ઞાન છો ને માવડીમુખા છો ? મારાથી તેમ નહિ કહેવાય, પણ ભાભીજીને જે કંઈ તમે કહ્યું તે તદ્દન અણધટતું હતું. પણ હશે, હવે ચાલો વાળુ કરવા, મેં તમને જોયા કે તમે પણ યથાયોગ્ય છો !”