પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
ગંગા–ગુર્જર વાર્તા

પોતાના ભાવિ સુખ માટે મોટી આશા બાંધી બેસે છે, પરંતુ તમે જોશો કે ઘણી વેળાએ તેઓ તેમાં ભુલાવો ખાય છે. મનુષ્યજિંદગીના સંબંધમાં સુખના ઘણા વિભાગો છે, તેમાં લગ્ન એ સર્વથી વિશેષ અગત્ય ધરાવનારું સુખ છે. એકાએક ગમે તેવા પ્રસંગોથી સ્ત્રી પુરુષ બંને મળે છે, ને સેજસાજ બહારની ઉપર ટપકેની વાતચીતથી પરસ્પરનાં મન લોભાય છે; એક બીજા માટે ઘણો પ્રેમ બતાવે છે, તદ્દન જ સદ્દગુણોથી ભરેલાં એકેક જણાય છે; દૂર રહેવાથી ઘણેક પ્રકારે તે જ મૂર્ત્તિનું લક્ષ લાગી રહે છે, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે તે ને તે જ મૂર્તિને તેઓ સર્વોપરી દેવાંશી ગણે છે, પત્રવ્યવહાર કે વાતચીતના પ્રસંગો મળે છે તે પરથી પણ સદ્દગુણની મૂર્તિઓ પણ તે જ છે એમ માને છે ને તેપરથી પોતાના ભાવિ સુખનો ઘણો અચળ તથા અડગ પાયો નાખે છે; પણ જ્યારે ઘાડો સહવાસ થાય છે, એક બીજાં આઠે પહોર ને બત્રીસે ઘડી પાસેનાં પાસે રહે છે, ને નિરંતરનાં સુખોની મોટી મોટી બાંધેલી આશાએાના વમળમાં આવે છે, ત્યારે તેમને માલુમ પડે છે કે જે ધારણા બાંધી હતી તે ધારણા ઘણેક દરજ્જે ખોટી પડી છે; ને તે વેળાએ પોતાના દૈવને દોષ દે છે, પણ ખરી રીતે તેમાં કેાઈનો વાંક હોતો નથી. પોતાની જ ઉચ્છ્રંખળ વૃત્તિનો વાંક છે, માટે તું જે ધારણા બાંધે છે ને તે માટે પીડિત થાય છે, તે પહેલાં આટલું નક્કી કર કે જે સુખની આશા રાખે છે તે સુખ તને મળશે કે નહિ, ને બંનેના સ્વભાવ હળશે કે નહિ - સંસારનાં સંકટો સહન કરવા શક્તિમંત થશે કે નહિ ? આ નક્કી થયા પહેલાં કોઈ પણ પગલું ભરવું એ ડહાપણવાળું ગણાશે નહિ.” ઘણા જ ડહાપણના વિચારથી કિશેારે આ વિચાર બતાવ્યો.

“બરાબર છે.” મોતીલાલે ઉત્તર દીધો, “હું હવે પાકી તપાસ કરીને મારા સુખના પાયા માટે નક્કી કરીશ.” મોતીલાલના દિલમાં પ્રેમ દૃઢ થયો હતો, તથાપિ પછાડીથી ઘણાં દંપતીની વચ્ચે ક્લેશનું બી રોપાય છે તેમ રોપાય નહિ તેને માટે ઘણો આતુર હતો. તેમ