પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
પ્રેમપરીક્ષા

વળી ઘણો સમજુ હોવાથી અવિચારી પગલાં ભરવાથી ઘણો દૂર રેહેતો હતો. કમળીની સાથે પોતાનો સ્વભાવ હળશે એવી એની તો પક્કી ખાત્રી હતી, પણ સંસાર સંકટ સહેવાશે કે નહિ તે માટે દૃઢ નહોતો. તેમ જ એવી રીતનું સુખ સ્થાયી કેમ થાય તે પણ સમજતો નહોતો. છતાં બંને જણા ઉઠ્યા તે વેળાએ એ બોલ્યો કે “મારી ફતેહ થશે.”

“ત્યારે હું સંપૂર્ણ આનંદ પામીશ.” કિશોરલાલે જવાબ દીધો. “મારો જે હેતુ છે તે એ જ છે, ને તેમ થાય નહિ ત્યાં સૂધી તમે પણ સુખીયા થશો એમ માનતા નહિ હશો.”

“ખચીત નહિ !”

“ત્યારે હવે તમારી ખાત્રી કરવાને માટે યોગ્ય ઉપાય યોજો.”

બંને મિત્ર સાથે ઉતરીને દરિયા કીનારે આવ્યા, ને હવા લેતા લેતા કૉલેજમાં ગયા. પછી કૉલેજમાં મોતીલાલને ફેલોની જગ્યા મળી હતી. ને તેથી બંને ત્યાં જ રેહેતા હતા.

મોતીલાલ પોતાપ્રત્યે કમળાનો કેવો પ્રેમ છે તે જાણવાને સુરત ગયો. મોતીલાલના પત્રો હંમેશાં આવતા હતા તે હમણાં એકદમ બંધ પડ્યા, ને કમળાને પણ પોતાના પ્રિયને માટે શંકા ઉત્પન્ન થવાને યોગ્ય કારણ મળ્યું. મોતીલાલે અગાડી સુરત આવવા વિષે લખ્યું હતું, ને તે જ્યારે આવે ત્યારે પોતાની ખાત્રી કરી લેવાનો સંપૂર્ણ વિચાર કીધો.

સુરતમાં આ વેળાએ કિશોરલાલના ઘરમાં તેમના પિતાજીની ગેરહાજરી હતી, ને દેવદર્શન કરવામાં તેમની માતા લલિતાબાઈ બારે પહોર રોકાતાં રહેતાં હતાં. ગંગાની તબીયત સારી નહિ હોવાથી વેણીગવરી તથા કમળાને માથે ઘરનો કારભાર પડ્યો હતો. તુળજાગવરી પોતાને પિયેર ગઈ હતી. બપોરના પરવાર્યા પછી ઘણીખરી વાર વેણીગવરી પોતાને પિયેર જતી હતી ને તેથી પાછલા પહોરની કમળા ઘણીવાર એકલી બાગમાં બેસતી કે પોતાના ભરવા ગુથવાના કામમાં મંડતી હતી.