પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ગંગા–ગુર્જર વાર્તા


ફાગણ માસ હંમેશાં સૂરતમાં તોફાની ગણાતો હતો, પણ એ માસના રળિયામણા દિવસો ઘણા આનંદમાં જતા હતા. એક સંધ્યાવેળા, જે ખુબસુરતીમાં સર્વોપરી, ચિત્તાકર્ષક, રળિયામણી અને મનને આનંદ પમાડનારી હતી, તે પ્રસંગે મોતીલાલ ધડકતી છાતીએ કિશેારને ઘેર ગયો. ઘરમાં પેસતાં કોઈએ તેને રોક્યો નહિ, તેમ કોઈયે જોયો પણ નહિ. તેથી પોતાની પ્રિયતમ મૂર્તિને મળવાને પહેલાંની પેઠે જ તે પાછળ બાગમાં ધસ્યો, ને ત્યાં તેણે તે સર્વોપરી સુંદરીને એક કુંજમાં વિરાજમાન થયેલી જોઈ. તેનો ચેહેરો સહોરાઈ ગયેલો હતો, ને તેનું શરીર નખાઈ ગયું હતું. ઝીણો તાવ તેના શરીરમાં લાગૂ પડી ચૂક્યો હતો, ને તેથી જાણે તે દિન પ્રતિદિન ગળાતી જતી હોય તેવી જણાઈ. જે દરવાજેથી મોતીલાલ આવ્યો તેની તરફ તેની પીઠ હતી એટલે બરાબર ચેહેરો જણાતો નહોતો, પણ પીઠપરથી જોતાં તે કૃશ થયેલી જણાતી હતી. તેના હાથમાં “શાકુન્તલ” હતું, તેમાંનો જે ભાગ કાલિદાસે પોતાની સ્વચ્છ કારીગીરીથી શણગારેલો હતો તે ભાગ એ વાંચતી હતી; ને તે શકુન્તલા સાથે પોતાની વેદનાનો મનમાં મુકાબલો કરતી હતી. એ જ વેળાએ પોતાના પ્રિયમિત્રને એકાએક પોતા સમીપ જોયો, ને બંને સાવજ માફક ઉભાં થઈ રહ્યાં ! માત્ર બંનેના મોંથી એકે વખતે એ જ શબ્દ નીકળ્યા કે “પ્રિય મેાતી !” “પ્રિય કમળી” આ શિવાય તેઓ કેટલીકવાર સુધી એક પણ શબ્દ બોલી શક્યાં નહિ.

થોડોક વખત ગયા પછી, પાસેના નાનકડા ફુવારાની પડોસમાં એક બાંક પડેલો હતો તેપર જઈને કમળી બેઠી. મોતીલાલ વિવેકથી સામો ઉભો રહ્યો.

મોતીલાલે આસપાસ નજર કરીને જાણે પોતાને કંઈ બોલવાનું નથી એમ જાણી કહ્યું-“તમારા પિતા તથા માતા બંને ઘરમાં નથી, એ ઘણું ઠીક થયું છે.”