પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ગંગા–ગુર્જર વાર્તા

મળવું થયું, તો જે ખુલાસો મેળવવો છે તેનો જવાબ દો, તો તમારો ઘણો ઉપકાર થશે.”

“તમારે શું પૂછવું છે ?”

“આપણું જોડું બંધાય તો તે સુખી થશે ?”

“એ પ્રશ્ન તમે તમારી જાતને જ કરો, એટલે તેનો ઉત્તર મળશે.”

“શી રીતે ?”

“જાણો કે 'જેવું પિંડે તેવું બ્રહ્માંડે' છે !”

“તમને ઘર સંસારી ઘણી વિડંબનાઓ આવશે જો !”

“બેફિકર રહો, તેનો નિવેડો મારી શક્તિથી લાવીશ.”

“આપણે એકબીજા માટે પસ્તાઇયે નહિ તે સંભાળવું જોઇયે.”

“એ માટે તો તમે નિશ્ચિંત રહેજો, પણ શું તમે ધારો છો ને માનો છે કે એ જ સુખ છે ?”

“પ્રિય કમળી ! તમારા આવા આશા ભંગ કરનારા શબ્દો માટે હું ઘણા ઘણા વિચારમાં ગુંચવાઉં છું. મારી તો તમારા વિષે પૂર્ણ ખાત્રી હતી, પણ વિશેષ નક્કી કરવાને મેં આ પગલું ભર્યું છે તેમાં તમે પાછળ હટાવો છો. તમે અંદેશો આણતાં નહિ; પણ ઉલટું ખાત્રીથી માનજો કે મેં તમારી પછાડી મારો પ્રાણ સમર્પણ કીધો છે, ને હું તમારા વગર બીજા કોઈને ચાહીશ નહિ ને ચાહતો પણ નથી. હવે હું તદ્દન સલામત છું. તમારી ઇચ્છા નહિ હોય તો આપણે દૂર રહીશું ને ઇચ્છા હોય તો આધીન છું. એથી મને એક એવી પત્ની મળશે કે તેથી મારું ગૃહરાજ્ય યોગ્ય માર્ગે ચાલશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે હવે તમારા પ્રત્નોને મારો પ્રેમ કદી પણ ચળવિચળ થશે નહિ, ને જો કદી મરીશ તો તમારું જ ચિંતન કરતો રહીશ. પણ તમે તમારે ધર્મે રહેશો તો પણ હું સુખી થઇશ.”

“હું ધર્મે નહિ રહીશ એમ ધારતા હો તો તમારી ગણત્રી ભૂલ ભરેલી છે !” કમળીએ તેને ઠપકો આપતાં કહ્યું.