પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
ગંગા–ગુર્જર વાર્તા


ઋતુ અતિઘણી રમણીય હતી. શ્રાવણ માસનો સરવરીઓ મેહુલો ધીમે ધીમે પડતો હતો ને આકાશ ઘેરાયલું જણાતું હતું, મંદ મંદ પવનની લહેર અને રૂપેરી સૂર્યનો સફેદ પ્રકાશનો બહાર દિલ લલચાવનાર હતો. આખો દહાડો વરસાદ પડવાને લીધે કોઈથી ઘરબહાર નીકળાતું નહિ, પણ જો નીકળાત તો પણ ગંગા કદી આવી ખરાબ અવસ્થામાં પોતાના પિતાતુલ્ય સસરાજીને મૂકીને બહાર નીકળત પણ નહિ. ડોસાનો મંદવાડ જબરો હોવાને લીધે તેણે આજ લગભગ દશ દિવસ થયા ઘરબહાર પગલું ભર્‌યું નથી, એટલું જ નહિ, પણ તેમની પાસેની પાસે જ ખડી રહેતી. વૈદ્યરાજ પણ તેને ખસવાની મના કરી ગયા હતા.

દશ દિવસનો ઉજાગરો હોવાથી રાત્રિના દશ વાગી ગયા પછી બાજુએ એક કોચપર ગંગા જરા આડી થઇ, કમળાએ ડોસાને સાબુચોખાની કાંજી કરીને પાઇ, ને તે ડોસાએ ધીમે સાંસ્તે પીધી. રાત્રિના વરસાદ રહી ગયો હતો, ને આકાશ નિર્મળ થયું હતું. કમળા બારીએ ઉભી ઉભી મન સાથે વિચાર કરતી હતી, ને ખરેખર આ દેખાવ જ મનમોહક હતો. એ સમય તરુણ તરુણીને પ્રેમમાં નિમગ્ન કરે તેવો હતો, પણ જે ભૂખ્યું હોય તેનું કંઈ આવી ખૂબીઓ તરફ મન લાગે નહિ, ને જેને માથે ધગધગતો અગ્નિ તપતો હોય તેને શીતળ પવન સુખ આપે નહિ, તેમ જ કમળાને મનમાં થયું હતું. જે વેળાનું વર્ણન અમે લખીએ છીએ તે વેળા, ગમે તેવી કુદરતી લીલાનું વર્ણન કરવા યોગ્ય હતી, પણ કમળા ચિત્તભ્રમ થયેલી ઉભી હતી, ને તેવામાં ડોસાએ બૂમ મારી કે “કોઇ છે ?” કમળાએ તે સાંભળ્યું નહિ, ને તેથી તે ઉભીજ રહી. તેવામાં ડોસા પથારીમાંથી ઉઠવા ગયા ને એકદમ ચકરી આવી ને ભોંયપર પડ્યા. આના ધબાકા સાથે જ ગંગા એકદમ જાગી ઉઠી.

મીનારાના ઘડિયાળમાં રાત્રિના બરાબર બાર વાગ્યા. દીવો ધીમો ધીમો બળતો હતો, ને ઉપર મોગરો આવવાથી તે સહજ સહજ ઝાંખો થતો જતો હતો. આખા મોહલ્લામાં તદ્દન શાંતિનું રાજ્ય ચાલતું