પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ગંગા–ગુર્જર વાર્તા

ચત્તાપાટ પડ્યા હતા. માત્ર નસકોરામાંથી શ્વાસ ધોકારાબંધ ચાલ્યો જતો હતો. તરત જ પાસેના ઘડિયાળમાં એક વાગ્યો. દવા આપવાનો સમય થયો હતો, તેથી પાસે જઈને ગંગાએ તેમનું માથું તપાસ્યું તો માથાપર શ્રમને લીધે ઝરી છૂટી હતી. છાતીએ ડોકટરનું આપેલું તેલ ઘસ્યું ને થોડીવારે શ્વાસ ધીમો પડ્યો, “ઓ રે” કરીને બૂમ મારી જરાક પાસું ફેરવ્યું ને ત્યારે બંને જણાંને ધીરજ આવી.

થોડીકવાર ડોસા પડી રહ્યા. ગંગા ને કમળી પાસેનાં પાસે બેઠાં હતાં, અડધો કલાક વીત્યા પછી ધીમે સાદથી ડચકીયાં ખાતા ખાતા ડોસા બોલ્યા.

“ગંગા ! મારી વહાલી દીકરી ! તું નહિ હોત તો મારી શી અવસ્થા થાત ? હાય હાય, કોઈ પણ મારી ચાકરી કરનાર નથી. તું જ એકલી મારી પાસેની પાસે બેસી રહે છે. એ તારો મારા પર થોડો ઉપકાર થાય છે કે ?"

“સસરાજી ! એ શું બોલો છો ? મારો ધર્મ છે ને તે હું બજાવું છું, તેમાં વધારે શું કરું છું ? તમારી તો જેટલી સેવા થાય તેટલી થોડી.” ગંગાએ ખરેખરા આદરથી જવાબ દીધો.

“નહિ, નહિ, દીકરી ! તું તો મારે ત્યાં રત્ન છે. મારા કિશોરનું ધન્યભાગ્ય છે ! સાથે મારા આખા કુટુંબનું ભાગ્ય પણ તેટલું જ મોટું છે, કે તારા જેવું રત્ન મારે ત્યાં આવ્યું છે.”

ગંગા આ વાત ઉડાવવા માટે બોલી ઉઠી.

“હવે વૈધરાજના ઔષધનો સમય થયો છે, માટે તે લેશો સસરાજી?”

“હા બેટા ! પણ હવે વૈદ બૈદના નકામા પૈસા નહિ ખરચો, હવે તો ઈશ્વરસ્મરણ કરવાનો સમય છે, બેહેન કમળી, ગંગા, તમે મારી પછાડી જે મહેનત લો છો, તેને બદલો તો પ્રભુ વાળશે, પણ હવે ઔષધની વાત જવા દો, હવે તો અંબામાતાને સંભારો. આપણા દહાડા તો ભરાઈ ચૂક્યા છે. વૈદ્યરાજ ગમે તેટલી આશા આપે, પણ મને ખાત્રી છે કે હવે હું બચવાનો નથી,” તૂટક તૂટક શબ્દમાં ઘણી વેળાએ મોહનચંદ્રે આ પ્રમાણે કહ્યું.