પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
સસરો અને વહુ


“સસરાજી, એવા વિચાર તમે મનમાંથી કાઢી નાખો.”

“ના બેટા, હવે તે નીકળવાના નથી, મને સાક્ષાત્ માતાનાં દર્શન થાય છે ! તે પોતાના અલૌકિક સ્વરૂપમાં મારી પાસેનાં પાસે ઉભાં છે, ને હવે તો હું તેમની સાથે જઈશ.”

“તમે જરાક ઔષધ લો, એટલે તમને આરામ પણ થશે, ને જરાક કૌવત પણ આવશે. વૈદ્યરાજ કહેતા હતા કે તમારા શરીરમાં અશક્તિ છે, બીજું કશુંએ નથી.”

“એ બધુંએ ખરું, પણ હવે કૌવત આવવાનું ઔષધ વૈદ્ય પાસે નથી. મને હવે મારી ફિકર નથી, પણ તમારી ફિકર છે. કમળા બેહેન, તારી મા ઘણાં સારાં માણસ છે, પણ તમે તેમને સંભાળી લેશો. વારંવાર લડવાનો તેમને શોખ છે, પણ તમે તેમને તપાસશો તો ઘરની આબરૂ રહેશે. હવે હું તમને કોઈ દહાડો શીખામણ આપવા આવનાર નથી, તેથી આટલું છેલ્લું કહી લઉં છું. તમારા પિતાજીનાં આ છેલ્લાં વચન છે તે છેલ્લાં દાન તરીકે માની લેશો. ગંગા, મને અટકાવીશ નહિ. આજે અહિયાં કેાઈ નથી, તેથી તમને બંનેને શીખામણ આપવી જરૂરની છે, કેમકે તમે બંનેને લીધે ઘર ચાલે છે. જો બેહેન, યાદ રાખજે કે તારી મા કદી સુધરવાની નથી, તેથી ગમે ત્યારે તેને લડવાનો રસ્તો જડી આવશે, પણ તમારે બંનેએ એકકે ઉત્તર તેને દેવો નહિ. ગંગાને તો મારે કંઇ જ કહેવાજોગ નથી. તારામાં શું ઓછું છે કે હું કહું, મારા કિશોરને સંભાળી લેજો. તે ઘણો નમ્ર, કુમળો ને માયાળુ છે.”

“હવે આ ઘડીએ એવા વિચાર કશા કામના નથી, સસરાજી !” ગંગાએ તેમને શ્વાસ ઘણો વધતો જતો જોવાથી કહ્યું: “તમે ઔષધ લો !”

“ઠીક છે, લાવો, જ્યારે તમારી મરજી છે ત્યારે લઇશ.”