પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
સસરો અને વહુ


“અરે ગંગા !” એમ બોલી જરાક ચૂપ રહ્યા, “બેટા, હું હવે તને છેલ્લું જ કહીશ. તને હું મારા દીકરાની વહુ ગણું તેના કરતાં પણ તું વધારે લાયક છે. આજ દશ દશ દિવસ થયા તું અખંડ ઉજાગરા કરે છે, એ જ તારું સુલક્ષણાપણું બતાવે છે. મારી દીકરીઓમાં પણ તું વડી છે. મારા કુટુંબમાં પણ તું વડી છે. તારા જેવી કુળવધૂ નાગરી ન્યાતમાં કોઈ નહિ હશે. તેં મારી સેવા કરવામાં કશી પણ કચાશ રાખી નથી. આ મારી માંદગીમાં મારી માતા પ્રમાણે તેં ચાકરી કીધી છે. શું તું પેલે ભવે મારી મા હતી ? જેમ એક મા પોતાના બાળકની માવજત કરે તેમ તે મારી માવજત કીધી છે. ઓ મારી મા, હવે તું ક્યારે મળશે ? હવે હું મરીશ, પણ મને ઘણો સંતોષ છે કે મારા કુળમાં એક અનુપમ રત્ન છે, જેનાથી આખું કુળ તેજસ્વી જણાય છે. પણ ઓ મા, તું ક્યાં છે ?” એમ કહીને ગંગાનો કોમળ હાથ પોતાના હાથે પકડી માથે ફેરવ્યો.

ગંગાની આંખમાંથી મોહનચંદ્રની કોમળ વાણી સાંભળી ઢળક ઢળક આંસુ પડવા લાગ્યાં, તે કંઈ પણ બોલી શકી નહિ.

“ખરેખર તું મારા ઘરની દેવી છે, તેનાથી પણ વધારે છે. સાક્ષાત્ તું જ અંબા છે, એક વહુમાં આવા સદ્દગુણ એ તો ખરે ઈશ્વરની જ બક્ષીસ છે.”

“સસરાજી, હવે ઘણું નહિ બોલો, તમને વધુ દુ:ખ થશે, જુવોની વારુ, તમારાથી હમણાં બોલાતુંએ નથી.” ગંગાએ ઝીણે સ્વરે ધીમેથી કહ્યું.

“નહિ હું બેાલીશ-મારાથી બોલાશે ત્યાં સુધી તારી ને તારી જ સાથે બોલીશ, ને મારાથી જોવાશે ત્યાં સૂધી તારું મુખડું જોઇશ. હવે હું થોડા દહાડાનો છું. તારો ઉપકાર, તારી સેવા હું કદીપણ ભૂલીશ નહિ. હું કોઇ પણ જન્મમાં તને યાદ કરીશ, તું એક ચંદ્રમુખી દેવી મારા ધરમાં વસી છે.”