પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
ધણિયાણી


“આખી રાતના ઉજાગરા પછી હમણાં જ સૂતા છે.”

“તે ઉઠાડની, હું આવી છું તે કહે.”

“હજી હમણાં જ આંખ મીંચી છે. જરા પણ રાતના જંપ્યા નથી. ને સાસુજી, મને હવે એમની કશી પણ આશા નથી, રાતના વૈદ્યરાજ આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે મંદવાડ કપરો છે.”

“પણ તારું પારાયણ રહેવા દેની, હમણાં ઉઠાડ કે હું તપાસ કરું” શેઠાણીએ ધસીને કોચ નજીક જવા માંડ્યું.

ગંગા ઉઠીને સામી થઇ. “સાસુજી !” ઘણું નમ્ર ને પ્રેમમય વચનથી નીચી વળી મર્યાદા પૂર્વક સાસુજીને કહ્યું,” “હમણાં સૂવા દેશો તો ફિકર નથી.”

“ચાલ, બેસ, હરકતવાળી આવી છે. એવો તો શો મોટો મંદવાડ આવી પડ્યો છે કે ઉઠાય નહિ. આખી રાત તો પાડાપેઠે ઘોર્યા કરે છે, ને હવે ઉઠતાં શી હરકત છે ?”

“ખરેખર હરકત તો નથી, પણ હમણાં જ સૂતા છે. હજી તો છ વાગ્યા છે, તેથી અડધા કલાક પછી ઉઠાડજોની !”

“ને તારી એવી ખાત્રી છે કે માંદા માણસ ઊંઘે તો સારું ?”

“તેની મને શી ખબર સાસુજી !” જરાક વિચાર કરીને ગંગાએ જવાબ દીધો, “પણ માંદા માણસોની તબીયત સાચવવાને માટે તેમને આરામ આપવો જોઇયે.”

“બેસ, બેસ, ડાહેલી ! તું આજકાલની ટીચકી તે આરામ ને વિરામની વાત મને સમજાવવા બેઠી છે ! શું થયું છે કે આરામ જોઇયે ? રાતના હું સૂવા ગઈ ત્યારે તે બે વાઘ ધરાય તેવા હતા, ને રાતમાં ને રાતમાં મરવા પડ્યા છે. “ખોટું ખોવાય નહિ ને ઘરડું મરે નહિ !' તું તો મારી સોક થઈ પડી છે તે મારું જ ભુંડું ઇચ્છે છે ! એ મરે તો મને ભુંસાપો આવે તેમાં તું રાજી ! ફટ તારા જીવતરપર, પણ એ મરે એવો દહાડો ક્યાંથી ?”