પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
ધણિયાણી

પાડાની પેઠે ઘોર્યા કીધું, ત્યારે કંઇ પણ ખબર કાઢવા આવી'તી જે અત્યારે વેહેલી વહેલી વંત્રીની પેઠે લડવા ઝગડવા આવી છે ! નીકળ મારા એારડામાંથી, તારું મોં મને નહિ બતાવ ! મારા ઘરમાં તારા જેવી કમજાત કૂતરી નહિ જોઇએ. આખા ઘરમાં નઠારી ને કજાતમાં કજાત તું છે. મારું સોના જેવું ઘર તેં કોડીની કીમતનું કરી મૂક્યું છે. ગંગા, કમળી, તુળજા, કોણ અહિયાં છે ? અરે તમે ગમે તેમ પણ એને અહિયાંથી કાઢો, નહિ તો એ મારો જીવ લેશે. એને કાઢો, બસ કાઢો !”

ઘણા તૂટક તૂટક શબ્દોમાં ડોસાએ પોતાનો ઊભરો કાઢ્યો, પણ તેટલામાં શ્વાસ ધોકારાબંધ ચાલવા માંડ્યો, ને ઘણો શ્રમ થવાને લીધે પાછા પથારીમાં પડ્યા, ને મોંપર ફીણ આવી ગયાં. તે સાથે પુષ્કળ જબરો તાવ ભરાઈ આવ્યો.

આટલું બધું બોલવું થયું તેપણ લલિતાબાઇના મનમાં જરા પણ અરે કે હાય પેઠી નહિ. તેઓ તો જ્યાંનાં ત્યાં જેવાં ને તેવાં જ ઊભાં રહ્યાં. તેમના મનમાં હવે પૂરી ખાત્રી થઈ કે ડોસાએ માંદા પડવાનો સજ્જડ ઢોંગ ઊભો કીધો છે.

ડોસા પથારીમાં પાછા પડ્યા કે સાસુજી પાસે ઉભેલી ગંગા સસરાજી પાસે આવી. તાવ પુષ્કળ વધી ગયો. જોતજોતામાં એકસો ને પાંચ ડીગ્રી તાવ ચઢી આવ્યો, અને તરત જ ડાકટરને બોલાવવાની જરૂર જણાઇ, ડોસાથી જરા પણ બોલાતું નહોતું; તેમને બે ત્રણ વાર બોલાવ્યા, પણ જરા પણ જવાબ દીધો નહિ, ને તેટલું છતાં પણ લલિતાબાઇ જરા પણ પાસે આવ્યાં નહિ, પણ બડબડવા લાગ્યાં, “શું થયું છે ? ધાડે નથી ખાતી. બોલવા બેસે છે ત્યારે તો અટકતા પણ નથી, ને માંદા પડ્યા છે. મને તો માંદગી જેવું કંઇએ જણાતું નથી.” આવા આવા શબ્દો, વખતે ધીમે, ને વખતે મોટેથી બોલતી હતી. ગંગાએ જાણ્યું કે જો હવે સસરાજી પાછા ઊઠશે તો તબીયત ઘણી જ બગડી જશે.