પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
ગંગા–ગુર્જર વાર્તા


“સાસુજી હમણાં તમે બહાર જશો ? સસરાજીની તબીયત ઘણી જ બગડી ગઈ છે. એ પાછા ઊઠશે તો વળી વધુ બગડશે.” ગંગા અડોઅડ આવીને ઘણી જ ધીમેથી બોલી.

“નથી જતી; તું કોણ કેહેનારી ?”

“હું સસરાજીના સારા માટે કહું છું.”

“ગમે તેમ થાયની, તેમાં મારે શું !”

“પણ તમે જોતાં નથી કે તમે બોલો છો તેથી સસરાજી ચીહડવાઈ ઉઠે છે !”

“એ તો એમને ટેવ પડી છે, તેમાં મારે શું ?”

“તમે વધુ બેાલશો તો વધુ બગાડો થશે.”

“છો થતો. મારે શું ?”

“એ દયાળુ પ્રભુ, હવે ઊઠાવી લે.” મોહનચંદ્રે માથું ઉંચકી ને હાથ ઉંચા કરીને બૂમ મારી.

“જુઓ, તમારા બોલવાથી સસરાજી કેવા દુભાય છે ? આપણે થોડું બોલીએ તો ન ચાલે કે ?”

“જા જા, ચાંપલી ! રાંડ ડાકણ ! મારા ઘરમાં તું નેહેસ પગલાંની જ્યારથી આવી છે ત્યારથી આ ઘરમાં ક્લેશ પેઠો છે ! તારે થોડું બોલવું હોય તો બોલજે, મારે શું છે કે હું થોડું બોલું ?”

“બા, તું નથી જાણતી કે હવે બાપાજી જીવવાના નથી ?” કમળી બેાલી.

“ચૂપ, તું રાંડ વળી બોલી ?”

“શું છે, મને શું કામ એમ તરડાઇને જવાબ દે છે ? તારે લીધે બાપાને કેટલું દુ:ખ થાય છે તે તું જોતી નથી ?

“જા રાંડ, તારું કાળું કર! મને નહિ બેાલાવ! તારું મોં નથી જોવાની !”

“એાછી પીડા !” પોતાની માનાં આવાં કઠોર વેણથી ખીજવાઈને કમળીએ તુચ્છકારથી જવાબ દીધો.