પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
પિતા અને પુત્ર

નોકરી મળી છે, ને આવતા માસથી ત્યાં દર માસે સોનો પગાર મળશે, પણ તમારી ખાતર હવે ક્યાંય પણ જઇશ નહિ.”

“તારું નસીબ ચઢતું થાય !” તે ડોસાએ ગળામાંથી બોલીને પોતાના વહાલા દીકરાનું રૂડું ઇચ્છ્યું, “હું ધારું છું કે ત્યાં તું વધારે સારી પદવી પર ચઢીશ.”

“તે માટે તમે બેફિકર રહો, આપણે સૌ હૈયાત હોઇશું તો સૌ મળશે.” આટલું કિશેાર બોલ્યો કે ડોસાએ વધારે નબળાઇ બતાવી ને એકદમ પાછો તે પથારીમાં પડ્યો.

“જલદી ઔષધ લાવો,” કિશેારે ગભરાટમાં બૂમ મારી; “એક ઔષધનું ટીપું પિતાજીની આરોગ્યતા સુધારશે.”

“કશી જરૂર નથી, દીકરા, હવે ઔષધ શું લાભ કરશે? મારે માટે તારે કશી પણ દરકાર કરવી નહિ.” ડોસાએ ડચકિયાં ખાતાં ખાતાં જવાબ દીધો.

આસપાસ સૌએ ઔષધને માટે દોડાદોડ કરી મૂકી. ટેબલપરથી તરત જ ગંગાએ ડાક્ટરે આપેલી બે શીશી લાવીને મૂકી ને તેમાંથી ગ્લાસમાં જોઇયે તેટલું ઔષધ નાખ્યું.

“હવે ઔષધ કાંઇ ગુણ કરનાર નથી !” ઔષધ લેવાની ના પાડતાં મોહનચંદ્રે કહ્યું, “પૈસાની ખુવારી છે. ડાક્ટર મારી સ્થિતિ યથાર્થ રીતે જાણતો નથી, ને પૈસા ખાવાને માટે લંબાવ્યા કરે છે. ભાઇ, હવે આપણા ઘરમાં એક પાઇ પણ નથી. આપણી આબરૂ શી રીતે રહેશે ? બહાર જેટલો ભપકા છે તેમાંનું આપણી પાસે અડધું પણ નથી. કેટલું દેવું થઇ ગયું છે તેનો તને કંઇ ખ્યાલ છે? આ સઘળાં તો મારે ફૂટેલે નસીબે મને પિંખવા બેઠાં છે, પણ બાપુ ! તે બધો તારા માથાપર ભાર છે. ન્યાત જાતમાં આપણી આબરૂ સારી કહેવાય છે, આત્મારામ ભૂખણનું ઘર કહેવાય છે, પણ ઘરમાં કોડી નથી. અરે કેમ આબરૂ સચવાશે? કેમ લોકોમાં માન રહેશે ?” એટલું બોલતાં ડોસાની આંખમાંથી પુષ્કળ આંસુ એકદમ પડ્યાં.