પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ગંગા–ગુર્જર વાર્તા

સમક્ષ સાંભળવી એ કંઈ તેના મનથી થોડો લાભ છે ? બાળાઓ, સ્ત્રીઓ, જેઓ વધૂ તરીકે પોતાના પતિના ઘરમાં રહેતી હોય તેમણે આ ગુણવંતી ગંગાના ગુણોનું અનુકરણ કરવું એ કંઈ થોડી કીર્તિ ઉત્પન્ન કરનાર થઈ પડશે નહિ.

શ્વસુરસદનમાં રહેતી આજની વહુવારૂઓ, પોતાને જે ઘર હમેશાનું જ પ્રિય થઈ પડવું જોઇએ, તે ઘરમાં પોતાના સસરા સાસુ સાથે કેમ વર્તવું તે જરા પણ સમજતી નથી. તેઓ જાણે એમ જ સમજે છે કે આપણે તો માત્ર ધણીને જ રીઝાવવાને માટે સર્જેયલાં છીએ, ને તેથી સાસુ કે સસરા તરફ જરા પણ માન કે વિવેક મર્યાદા બતાવતી નથી. વળી તેમાં આજકાલની બાળકીઓ એટલી બધી છાલકી થઈ જાય છે કે કોઈનો સહેજનો ટુંકારો પણ સાંભળવાને માટે ના પાડે છે તે તો “હું ને મારે હાંસિયો,” તેમ પોતાના જ તાનમાં મસ્ત બની જાય છે, ને ટ ટ-પૂ પૂ ભણી એટલે તે કંઈ તેને નવી જ દુનિયા જણાય છે. ઘર કામમાં ઘરની વ્યવસ્થા ને સસરા સાસુ સાથેના સંબંધમાં તો તે પોતે એમ જ સમજે છે કે તેને કાંઇ લેવા દેવા જ નથી. પણ હે બાળાઓ ! કુળદીપક વધૂઓ ! યાદ રાખો કે જે સહજસાજ તમે ભણ્યાં છો તેનું સાર્થક્ય કરવાની આ રીત જ નથી. ગંગાએ જેમ પોતાના પિયેર કરતાં પોતાનું સાસરું એ પોતાનું સર્વોપરી સુખનું ધામ ગણ્યું છે, ને તે જેમ પોતાના દરેક ધર્મમાં યોગ્ય નીવડી છે, તેમ જ્યાં સૂધી સઘળી પુત્રવધૂઓ નીકળશે નહિ ત્યાં સૂધી કદી - રે કદી પણ આપણો ગૃહસ્થાશ્રમ, સુખનું ધામ ન સ્વર્ગનું ભુવન થવાનો નથી.

તરત જ સૌ ઉઠી ગયાં ને પોતપોતાને કામે વળગ્યાં. મોહનચંદ્રની તબીયત તરતને માટે ઘણી સારી જણાઇ, પણ થોડા વખતમાં માલમ પડ્યું કે તેમને સનેપાતની અસર થઇ હતી. શક્તિ છેક જ નખાઈ ગઈ, ને દિનપ્રતિદિન રોગે ઘણું સખ્ત ઘર કીધું; સૌએ હવે તો આશા મૂકી, અને તેમના મોં આગળ વારાફરતી સૌ બેસતાં હતાં; તો પણ