પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
પ્રકાશકનું નિવેદન

જેમની ઇચ્છા હોય તેમણે ચોથા પ્રકરણથી અહીં સુધીનો ભાગ વાંચવો છોડી દેવો. વાર્તાના પ્રસંગમાં આ જાતનું એકાદું ઉપાખ્યાન કહેવું એ કદાચિત્ દોષ હોય તો પણ એવી ઉપકથાઓ જેમાં દાખલ થયેલી છે એવા ગ્રંથો ઘણા છે; તેથી સૂત્રધાર જે ક્ષમાયાચના કરે છે તે વિફળ જશે નહિ. સૂત્રધારને આ અભિનય સંબંધે વિશેષ શું કહેવાનું હોય ? – અભિનયની જ્વનિકા ઉઘડે છે તે તરફ લક્ષ કરો એ જ યાચના છે."

પ્રસ્તુત નવલકથા એ ગુજરાતી ભાષામાં લખાયેલી સ્વતંત્ર અને મૌલિક (original) સામાજિક નવલકથાઓમાંની એક છે, અને તેમાં બીજા સામાજિક પ્રશ્નોનાં દર્શન ઉપરાંત કંઈક વધારે અંશે બાળવિધવાના પ્રશ્નનો ઉકેલ કરવાનો પ્રયત્ન માત્ર કરાયો છે; તે વિષયને અંગે જે વિચારો ગ્રન્થકર્તાના હતા તે જ વિચારો તેઓએ જીવનભર પાળ્યા છે, અને જ્યાં બન્યું ત્યાં તેનો જ ઉપદેશ કર્યો છે. ગ્રન્થકર્તા, પોતાના જીવનકાળના આરંભમાં બાળવિધવાનાં ફરી લગ્ન કરાવવાના વિચારની તરફેણ કરનારા હતા, પણ તેમણે તેનો પ્રસાર કર્યો નથી. પણ પોતે કેવા પ્રકારે સામાજિક સુધારો કરવાની ઇચ્છા રાખતા હતા તેની દિશા, આ નવલકથાના એક મુખ્ય પાત્ર -નાયક કીશોરલાલ અને ગૌણ પાત્ર મોતીલાલની વાતચિત અને વર્તનમાં દર્શાવી છે. એ સિવાય બીજાં સાંસારિક દર્શનો, બનાવો આબેહુબ રોજ આપણે જોતા આવ્યા છીએ તે બતાવ્યાં છે. તેનો સમાપ્તિનો ભાગ કરૂણ રસથી ભરેલો છે અને વાંચનારના મન ઉપર સ્વાભાવિક વૈરાગ્યની છાયા નાંખે છે. આ ઉપરાંત શુદ્ધ ગુજરાતી ભાષા માટે પણ આ ગ્રન્થ વખણાય છે. આ ગ્રન્થનાં વખાણ અમે જ કરીએ તેના કરતાં અભેદ માર્ગ પ્રવાસી સદ્ગત સાક્ષર શિરોમણિ, અને નવલરામ પછી ગુજરાતી ભાષાના ગ્રન્થોના