પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
પિતા અને પુત્ર

મોહનચંદ્રના મોં આગળ ગંગા એ જ તેને ખરેખરું સુખ આપનારી હતી. સઘળી સેવા કરવામાં તે જ્યારે ને ત્યારે તત્પર હતી. એક પળ પણ પોતાના પિતાતુલ્ય સસરાની પાસથી તે દૂર થતી નહિ, વારંવાર, ઘડીએ ને પળે બિછાનામાંથી મોહનચંદ્રને મુખે, “બેહેન!” “મા!” એ વેણો નીકળ્યા કરતાં હતાં, ને કદી કદી ડોસા એટલા તો વલોપાત કરતા કે તે જોઇ સાધારણ સ્ત્રીને તો કંટાળો પણ છૂટે; પણ ગંગા તો આ સેવામાં સુખ માનતી હતી. હું ધારું છું, અને કહેવાનાં ખાસ કારણો છે કે આવી કુળવધૂ એ કુટુંબનું ગૌરવ છે; પણ એવું ગૌરવ સંપાદન કરવા માટે કેટલી સ્ત્રીઓ તત્પર હશે ? ઘણી જૂજ. પોતાનાં માતા પિતા અને સાસુ સસરાની સેવા કરવામાં તત્પર એવી થોડી સ્ત્રીઓ હશે. માતા પિતા વચ્ચે, સાસુ સસરા વચ્ચે વધૂ અને પુત્રને આટલો બધો પ્રેમ બંધાય એ બહુ આનંદજનક છે.

ડોસાની તબિયત નઠારી હોવાથી કિશોરે ડોક્ટરને બોલાવ્યો હતો, ને પૈસા સંબંધી સઘળી વ્યવસ્થા યથાર્થ કીધી હતી. એટલે કશી અડચણ પડતી નહોતી. તે સધળા પુણ્યપ્રતાપ ગંગાના હતા. પોતાની પાસના સઘળા પૈસા તેણે કિશોરના સ્વાધીનમાં આપ્યા હતા. ડોક્ટર આવ્યા, ને તેણે બરાબર નાડી તપાસી કેટલીક સૂચનાઓ કિશોરને આપી, ને વિદાય થયો. કિશોરને ડોક્ટરના કહેવાથી ખુલી સમજ પડી કે હવે ઘણી થોડી આશા છે. પણ તેણે પોતાથી બનતા ચાંપતા ઉપાય કરવામાં કંઇ પણ કસર રાખી નહિ. મોહનચંદ્રની સેવામાં તેણે કેટલીક રાતના અખંડ ઉજાગરા પણ કીધા, માંદગીને લીધે કદી કદી કંટાળો ઉત્પન્ન થાય તેવા શબ્દો સાંભળવા પડતા હતા, પણ જરાએ દુ:ખ ઉત્પન્ન થાય તેવો શબ્દ તે બોલ્યો નહોતો.