પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
ખરી કસોટી


શરદ ઋતુનો વાદળી તાપ અતિ કઠિન હોય છે, ને તેવા તાપમાં ડોક્ટરને ત્યાં પ્રકૃતિના સમાચાર કહેવાને કિશેાર ગયેા હતો. તાપ પુષ્કળ તપતો હતો, ને કિશેાર નાહ્યો પણ નહોતો ને જમ્યો પણ નહોતો. સવારનો ઉઠ્યો તે વેળા ચાહ તૈયાર હતી, પણ તે લેવી એને ગમી નહિ. ઉઠ્યો ત્યારથી એ દિગ્મૂઢ થઇ ગયેા હતો. એની ખાત્રી થઇ હતી એના પિતા હવે થોડા સમયના છે તેથી મનમાં ને મનમાં ડસ્કાં ખાતો હતો. બપોરના તાપને લીધે એનો ગૌર વર્ણનો ચહેરો શ્યામલતાથી લેવાઇ ગયેા હતેા. નિરાશાથી મોંપર કાળી વાદળી છવાઇ રહી. એનાથી બોલાવ્યા બોલાતું નહોતું, ને બીજે દિવસે હરેક કામ ઘણી ઝડપથી કરતો ત્યારે આજે એના શરીરમાં ઉઠવા બેસવાની શક્તિ સરખી હતી નહિ. ગંગા, કિશેારના મોંપર જે ફેરફાર થયા હતા તે જાણી ગઇ હતી, પણ આવા શોકમાં કિશોરને ઉભો રાખી પૂછવાની એની હિંમત ચાલી નહિ. તે મનમાં મુંઝાયા કરતી હતી, ને તેવામાં તેના પિતાના સમાચાર જાણીને તો એને હૃદયકંપ થયો. એને પોતાનાં કરતાં પતિ પ્રિય હતો, ને પતિ કરતાં પતિપિતા પ્રિય હતો, પતિ કરતાં સ્વપિતા પ્રિય હતો, ને સ્વપિતા કરતાં પ્રાણપતિ વિશેષ પ્રિય હતો એટલે કોઈને પણ ઓછું પડે તે જોવાને એ ઇચ્છતી જ નહિ. પણ હવે એ કરે શું?

જેવો દૂરથી કિશોરને તાપમાં ધસ્યો આવતો જોયો, કે તરત જ પોતાના શયનગૃહમાંથી એક શરબતનો પ્યાલો લાવીને બારણા નજીક ગંગા ઉભી રહી. કિશેાર આવ્યો કે પેલો તૈયાર પ્યાલો તેના મોં આગળ ધર્યો.

“પ્રિય, તાપથી તમારું શરીર ધખી ગયું છે, ને મોંપર લૂ વરસે છે, જરા પી લેશો !” ગંગાએ પોતાની હંમેશની વિનયયુક્ત પ્રેમવાણીથી કહ્યું.

“એ શું છે ?” કિશોરે પૂછ્યું.

“એ શરબત છે ?”

“જરાક થોભ, મારા પિતાની તબીયત જોઇ આવું પછી એ લઇશ.”