પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ખરી કસોટી


“હવે શું કરવું તે તમે જ જણાવો. મારી તો બુદ્ધિ મંદ થઇ ગઈ છે. મારે જવું કે નહિ જવું એ પ્રિય, તમારી મરજીપર છે.”

“ખરું છે, પણ તું જાય તે મને પસંદ નથી.”

“ને મને પણ જવું પસંદ નથી. પણ એક ઇલાજ છે કે મારા પિતાને પૂછાવી જોવું.”

“મેં મારા મન સાથે તે બાબત નક્કી કીધું છે, પણ વચમાં એક મુશ્કેલી નડે છે, ને પ્રિયા, વ્હાલી ગંગા ! મને તે કહેતાં શરમ આવે છે, ને તે વૃત્તાંત હવે તને નહિ કહેવાનો નક્કી ઠરાવ કીધો છે !!” ઘણે દયામણે મોડે કિશેારે કહ્યું. પણ એથી તો ગંગાને એટલું બધું લાગ્યું કે તે બોલવાને હિંમત કરી શકી નહિ. એક પળ તે વિચાર કરી ઉભી રહીને કિશોર સામા તાકી તાકીને જોવા લાગી,પણપછી જરાક ગભરાટથી બોલી: તો “શું મુશ્કેલી છે? મને કહેતાં શરમ ? વહાલા કિશેાર ! આ ચરણરજ દાસી તમારી સેવા બજાવવાને તૈયાર છે, તમારા એક વેણ પર પોતાનો જીવ બાંધેલો રાખે છે, તેને કહેતાં શરમ અને લજ્જા ? મેં શું તમારા પ્રત્યે મારી ઓછી પ્રીતિ જણાવી છે, મેં શું તમારો બોલ ઉથાપ્યો છે કે મારાપર અવિશ્વાસ ? મને હવે જલદી કહો, નહિ તો મારાથી એ સહન થશે નહિ, એ મારા પ્રેમમાં હું ખામી ગણીશ. વલ્લભ કિશેાર ! તમે જાણો છો કે હું દુનિયામાં માત્ર તમોને જ જોઇને જીવું છું, તો મારા પ્રત્યે તમારી એાછી મમતા હોય એ મારું કાળજું કેટલું કાંપે વારુ ?”

“નહિ, નહિ ! ગંગા ! મને તારા પ્રેમને માટે પૂછવા જેવું છે જ નહિ. મને પૈસાની તંગી છે, ને શું વારંવાર હું તને જ પૈસાને માટે દમતો આવું ? તેં અનેકવાર તારા પૈસા ને ઘરેણાં મારે સ્વાધીન કીધાં છે, તેં મારા કહેવા પહેલાં મારા ઘરની આબરૂ માટે તારા પૈસા ખરચ્યા છે, તો હવે મારે તને પૈસા માટે કહેવું એ શરમાવે તેવું નથી ?”