પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
પ્રકાશકનું નિવેદન

એક ઉત્તમ અવલોકનકાર તરીકે પ્રસિદ્ધિ મેળવનાર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો જ અભિપ્રાય અમે તેમના જ શબ્દોમાં આપીશું, એટલે અમારે કહેવાનું કશું નહિ રહે.

ગંગા
અમે આ વાર્તાની કલ્પના તથા વસ્તુસ્ફોટન જોઈ બહુ સંતોષ સાથે એ વાતને હિંદુ ઘરસંસારના ઉત્તમ ચિત્રરૂપે ગણીશું. ગંગા એ એક પ્રતિષ્ઠિત કુટુંબનાં કનિષ્ઠ પુત્રની ગૃહિણી જ છે, કેમકે તેના જેવાં કુલીનતા, પ્રૌઢતા, પ્રેમ, ભક્તિ, આજકાલની બધી જ વહુઓમાં જોવામાં ભાગ્યે જ આવે છે. રા. ઇચ્છારામે આ વાર્તાની વસ્તુને ખીલવતાં વચમાં ગંગાના કુટુંબનો ઇતિહાસ આપવા આડ કથા દાખલ કરી છે. પણ તેથી રસમાં જરાપણ ભંગ થતો નથી, ઉલટું ગંગાનું શાન્ત પણ મધુર અને અલૌકિક પ્રેમશૌર્ય, જેના બલે તે પોતાની કપરી સાસુને પણ વશ કરી શકી છે, ને છેવટ પોતાના પ્રાણનાથના પ્રાણ સાથે જ પ્રાણ તજી ગઈ છે, તે અદ્દભુત દેશભક્તિરૂપ પ્રૌઢ પ્રેમની જ છાયા હતું એમ જાણવાથી, આપણા મનને કાંઈ જુદી જ દિવ્ય અસર થઈ માનભાવ પેદા થાય છે. આ કથામાં રા. ઇચ્છારામે પુનર્લગ્નના ચાલતા ઘોટાળાને ઠીક ઉત્તર આપ્યો છે. એમણે આખર સુધી એ જ સિદ્ધાન્તે વાત લીધી છે કે “આર્યધર્મનું જે બંધન છે તે જોતાં સ્ત્રીનું લગ્ન ફરીથી થાય જ નહિ, પણ જે સ્ત્રી રજસ્વલા થઈ નહિ હોય ને પતિ ગત થયો હોય, વૈધવ્ય પાળવે તે બાઈ અશક્ત હોય, તો એક દયા ખાતર તેનાં લગ્ન થાય તો ઠીક, જોકે રૂડાંતો નહિ જ.”