પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
મોતનું બિછાનું

ન્યાતિલાઓને ગમ્યાં નહિ, તો પણ કિશોરે તેમ કરવામાં અડચણ જોઈ નહિ. પછી રિવાજ પ્રમાણે છાણમાટીથી ભૂમિને પવિત્ર કરી શબને તે પર સૂવાડ્યું. રામરામની ધૂન ચલાવી, જો કે આ પવિત્ર આત્માને તો તે સાથે લેશ પણ સંબંધ હતો નહિ. ન્યાતિલાઓએ વાંસ દોરડી લઇ આવીને કરકટી બાંધી, તેનાપર મોહનચંદ્રને સુવાડી ગુપ્તેશ્વરના પવિત્ર તીર્થે અગ્નિસંસ્કાર કરવાને લઇ ગયા. ઘરમાંથી કરકટીને કાઢી લઇ જતાં ઘરમાં જે કોલાહલ ને રડારોળ થઇ રહી તે એટલી બધી તો તીક્ષ્ણ હતી કે તે સાંભળી રહેવું દોહેલું હતું. સઘળા પુત્રો તથા બીજા સગાઓ સ્મશાને ગયા, ને ન્યાતની સ્ત્રીએાએ ઘરની સ્ત્રીઓની આસપાસ ફરી વળી એકેકને ધીરજ આપવા માંડી. શેઠાણી ને કમળી છાતીફાટ રડતાં હતાં; બીજાં બધાં રડતાં રહ્યાં પણ શેઠાણી ને કમળી શાંત થયાં નહિ. ગંગા ઘણી સમજુ હતી, તથાપિ તેની આંખો સુણીને લાલ હિંગળેાક જેવી થઇ હતી. મોહનચંદ્ર નગરમાં સંભાવિત હતો તેથી પુષ્કળ લોક ભેગું થયું હતું, અને તેના મરણને કારણે સર્વ શોકમાં પડ્યું હતું, જો કે વયે વૃદ્ધ હતા, ને પાછળ પરિવાર સારો હતો તો પણ તેના મરણનો ઘા સૌને બહુ લાગ્યો.

સ્મશાનમાં શબને અગ્નિસંસ્કાર મોટા પુત્ર કેશવલાલે કીધો, ને ઘટસ્ફોટ કરી તાપીમાં સૌ નાહી સ્વચ્છ થઇને મોહનચંદ્રને ઘેર થઇને પોતપોતાને ઘેર ગયા. પ્રાતઃકાળ થયો હતો, ને સૌ પોતપોતાને ધંધે લાગી ગયા હતા, પણ જે ઘરમાં આ મહાશોકકારક બનાવ બન્યો હતો તે ઘર તો ખાવા ધાતું હતું. પશુ પક્ષીઓ આનંદમાં કલ્લેાલ કરતાં હતાં, આડોસી પાડોસીઓ પોતપોતાને ધંધે વળગી પડ્યાં હતાં ત્યારે મોહનચંદ્રનું ઘર એક શોકનું સ્થાન બન્યું હતું. ઘણા માણસો તેના પુત્રોને દિલાસો આપવા આવતા હતા. ઘણી સ્ત્રીઓ “સૌ ઠેકાણે એમ બને છે” એમ કહેતી હતી; પણ જે ઘરમાંથી એક રત્ન ઉપડી ગયું હતું તે ઘર તો અંધકારથી વ્યાપેલું હતું. પ્રાતઃકાળના સૂર્યનો પ્રકાશ સઘળે ઝળકી રહ્યો હતો, તથાપિ અહીં તો જ્યાં ત્યાં ઘોર અંધકાર વ્યાપી રહ્યો હતો,