પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
ગંગા-ગુર્જર વાર્તા


આ વગેરે ઘણીક પ્રેમભરી વાતો થયા પછી બંને છૂટા પડ્યા. ગંગા પોતાના પિતાને પૂર્ણ પ્રેમથી મળી. બિહારીલાલે ગંગાને જણાવ્યું કે “કિશોરની તબીયત ઠીક રહેતી નથી, માટે પૂરતી સંભાળ રાખજે ને એને જરાપણ પૈસા સંબંધી પીડા ભોગવવા દેતી નહિ.” એમ કહીને, રુ. ૧૦૦૦ ની બેંકનોટ આપી. બીજે દિવસે બિહારીલાલ તથા કિશોર મુંબઇ ગયા. ઘરમાં સઘળું અવ્યસ્થિત હતું. ઘર ખટલાની દુગ્ધામાં પડ્યાથી તેનું કામ ઓફીસમાં ઘણું ચઢી ગયું હતું. આ કામની ઉકેલ કરતાં એ શરીરે ઘણો નંખાઈ ગયો, પણ કશી દરકાર રાખી નહિ દર માસે પોતાના પગારમાંથી બચાવીને થોડા ઘણા પૈસા ઘર ખર્ચને માટે એ મોકલવાને ચૂકતો નહોતો. જો કે ગંગાએ ઘણી વેળાએ લખી જણાવ્યું હતું કે તમારે ઘરની જરા પણ ચિંતા રાખવી નહિ, તથાપિ એનાથી તો કરકસર કર્યા વગર રહેવાતું નહિ.

ઘર તો છેક જ બગડી ગયું. ગંગાની વૃત્તિ, ગમે તેવી સારપ તરફ હતી, તો પણ પોતાના પ્રિય પાસે જવાને ઘણી આતુર હતી. તે આતુર હોય તેમાં આશ્ચર્ય નથી. લલિતાબાઈને માથે જે ધાક હતો તે જતો રહ્યો તેથી તે વહુઆરૂએાને ઘણી પજવવા લાગી, તેમને હસ્કે ને ટસ્કે મહેણાં મારે, ગાળો ભાંડે, ને વાત કરતાં જે વસ્તુ હાથમાં આવી તે ફેંકે. વિધવાપણામાં જે શાંતિ રાખવી જોઇએ તેમાં એનામાં લેશ પણ નહોતી. એ તો પેલી કહેવત પેઠે “રાંડી કુંડી ને માથે મુંડી; હાથે પગે અળવી થઇ, પણ ધણીની ઓશિયાળ ગઇ !” તેમ દુઃખ પડ્યું, પણ સ્વતંત્ર, મસ્તાના ગોધા જેવી તે બની. તુળજા સામી તડાતડ ઉત્તર દેતી હતી, ને કમળી તથા વેણીગવરી મુંગે મોઢે સાંખી રહેતી હતી, પણ સૌ ઘણાં કંટાળી ગયાં હતાં. કિશેાર ગંગા પાસેથી ઘરનો વૃત્તાંત જાણવાને હમેશાં લખતો, પણ “સૌ ઠીક છે, સમા પ્રમાણે” એ સિવાય બીજી કોઈપણ હકીકત તે લખી જણાવતી નહિ. પણ એક વખત ઘણી રીતે કંટાળવાથી આ પ્રમાણે પત્ર કિશેારપર લખ્યો:-