પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ગંગા–ગુર્જર વાર્તા

પછી મોતીલાલ રોજ ગંગાને મળવાને આવતો હતો, ને કમળાની શી ઇચ્છા છે તે જાણવાને ઘણો આતુર હતો. તે રોજ કમળીને પત્ર લખતો ને તેમાં તેણે જોઇ લીધું હતું કે કમળીની સંપૂર્ણ ઇચ્છા નથી; - જો તેના ભાઇની મરજી હોય તો કંઇ કરે - નહિ તો દુ:ખે પાપે ગમે તેમ પણ પોતાની જિંદગી ગુજારશે. કિશોર પોતે એ લગ્ન માટે રાજી તો હતો તથાપિ લોકલાજથી વધુ ડરતો હતો; ને તેથી કંઈ પણ નિર્ણયપર તે આવ્યો નહોતો.

મુંબઇમાં સઘળા ખટલાથી દૂર હોવાને લીધે ગંગા સુખમાં રહી. ત્રણેક મહિના રહીને તે સુરત આવી, તો ત્યાં ઘર દહાડો તેનો તે જ હતો. પણ હમણાં એને ઘણા થોડા દિવસ સાસરામાં રહેવું હતું, તેથી સઘળું કામ સંભાળીને લીધું. થોડા દિવસમાં તેનું સીમંત હતું, તે પત્યું કે પોતાને પિયર ગઈ. કિશોરે પણ તેમ કરવાની સલાહ આપી હતી. ગંગાનો પિતા ઘણો લાયક તથા બ્રિટીશ સરકારમાં પંકાતો સત્તાવાળો હતો. ન્યાત જાતમાં તેમ બીજી બાબતમાં તેની પ્રતિષ્ઠા ઘણી સારી હતી. જાતિ શ્રમથી ને ખરે માર્ગે પૈસા પેદા કીધા હતા, તેટલું છતાં તેને કશો ગર્વ નહોતો. એક દીકરી ને દીકરો હતો, પરંતુ ગંગા તેને ઘણી વહાલી ને લાડકી હતી.

પોતાના પિતાને ઘેર આવ્યા પછી પણ કામગરી ગંગાથી નચિંતાઈયે બેસાયું નહિ. માબાપનો અથાગ પ્રેમ છતાં તે દરેક ધંધામાં આગળ પડતી હતી. તે ગર્ભવતી છે તેથી એનાં માતા પિતાને બહુ આનંદ વ્યાપો. તેનામાં જરા જેટલી પણ સુસ્તી નહોતી, તેથી તેની ઉત્તમ કેળવણી ને મર્યાદાશીળ રીતભાતથી પિતા માતા ઘણાં આનંદ પામતાં હતાં. જેમ સાસરામાં કામ કરવે ચપળ હતી તેમ જ અત્રે પણ હતી. પિતા ઘેર પધારે તે પહેલાં તેમને માટેના સત્કારની સઘળી ગોઠવણ કરી મૂકતી હતી. એનો પિતા કવચિત્ કવચિત્ કહેતો કે, “બેહેન ! તું અહીં કામ કરવાને નથી આવી; જરા આરામ લે. આટલા બધા માણસો છે