પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
ગર્ભવતી ગંગા


તને કોણ કામ કરવા કહે છે?” પણ એનું કામગરું હાડ કઠિન છે કે નહિ તે તો પોતાના ભાઇ તથા પિતા વગેરેને માટે સઘળું તૈયાર કરતી. પોતાના ભાઇનાં છોકરાંઓ માટે કોલર, ઝભલાં વગેરે ભાતભાતનાં વસ્ત્રો તૈયાર કરતી તેથી સર્વને તેની તરફ ઘણો પ્રેમ છૂટતો હતો.

પોતાના ભાઇના દીકરાઓ બાળક હતા, ને તેઓ ઘણું તોફાન કરીને પછી પોતાની ફોઇને સંતાપતા, પણ તેથી એ કંટાળતી નહિ. ગંગાની મા કદી ખીજવાઇ જતી, પણ ગંગા તેને પણ શાંત પાડતી, ખાવા પીવાને માટે નાનાં બાળકો ગંગાની માની આસપાસ વીંટળાઇ વળતાં, ને તેથી ડોસી ઘણી બબડતી. પણ ગંગા કહેતી કે બાળકો તો એવાં જ હોય છે-ત્યારે તે વારતી ને બાળકોને ખાવાનું આપતી ને રમવા નસાડી મૂકતી હતી. સર્વ રીતે બિહારીલાલનું ઘર એક આનંદજનક રમકડા જેવા કુટુંબથી શોભતું. એ ઘરમાં શોક, ભય, કે અમર્યાદા જેવું કશુંએ હતું નહિ. ગંગાની મા એ પોતાની દીકરી સમાન વહુને માન આપતી હતી ને તે કદી પણ તેને ઉંચે સ્વરે બોલાવતી નહિ. વહુ પણ જાતે મર્યાદાવાળી ને હસમુખી હતી ને તેથી ઘરમાં ટંટાનું નામ પણ જણાતું નહતું. કાં તો ગંગા સુલક્ષણી હતી તેથી કે કાંતો વહુ મર્યાદાવાળી હતી તેથી, ગમે તે કારણ હોય, પણ નણંદ ભેજાઇ વચ્ચે પણ ઘણો પ્યાર હતો. ગંગા ઘરમાં આવવાથી તેના ભાઇની વહુ ઘણો આનંદ પામી ને વારે ઘડીએ તે બંને આનંદમાં બેસી ગપાટા મારતાં હતાં. આનંદમાં વાતો સાથે કરતી, જમતી સાથે, ફરતી સાથે, વાંચતી સાથે, ગાતી સાથે ને ઘણી વેળાએ સૂતી પણ સાથે હતી. જેટલો વખત ગંગા પોતાના પિયરમાં રહી તેમાં એકે દિવસ બંને ક્ષણવાર પણ જુદાં પડ્યા નહિ એમ કહીએ તો ચાલી શકે.

પોતાના પૂજ્ય સસરાના મરણ પછી ગંગાના દિલમાં ફિકર ચિંતા પેઠી હતી, ને તેથી તેની કાંતિ શ્યામળી પડી ગઇ હતી તે હવે જતી રહી. પિયરમાં સર્વ પાંતીનું સુખ હતું, ને વળી પ્રેમની લહરો ચોમેર ઉડતી હતી તેથી ને તે સાથે ગર્ભવતી હતી તેથી તેની કાંતિ વધારે દીપી નીકળી.