પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૩૨

ગંગા–ગુર્જર વાર્તા


તેના મુખનો રંગ ચંદ્ર પેરે પ્રકાશવા લાગ્યો. તેના પિતાએ જોઇતા ભાતભાતના અલંકાર ને વસ્ત્રો કરાવ્યાં, ને તે જ્યારે બહાર નીકળતી ત્યારે તેની મૂર્તિ અનુપમ દેખાતી હતી. તેને વસ્ત્ર અલંકાર કરાવ્યાં તેથી તેની ભોજાઇ જરાપણ દુભાઇ નહિ, પણ ઉલટી તે સર્વમાં સહાયક થતી હતી. આ ઘરમાં ગંગાને દુ:ખ તો જરાપણ હતું નહિ, તોપણ કદીમદી એ ઉતરેલે મોઢે વાડીમાં એકાંત બેસતી ને નિ:શ્વાસ મૂકતી હતી. તેનું કારણ કિશોરનાં દર્શન ઘણાં દુર્લભ થઇ પડ્યા તે હતું. પોતાના પતિ સિવાય બીજું તેને આવી વેળાએ કોણ અતિપ્રિય હોય વારુ ? ઘર તરફથી કોઇ સમયે કિશેાર પત્ર પણ લખતો તો ત્યાંથી “એ ભગવાન એના એ જ” એવા સમાચાર ફરી વળતા હતા.

દશ માસ પૂર્ણ થતાં ગંગાએ એક ઘણી નાજુક પુત્રીને જન્મ આપ્યો. ઘણા હિંદુ કુટુંબમાં પુત્રીનો જન્મ શોકસ્થાન જેવો ગણાય છે. પણ ગંગાનાં માતા પિતા જરાપણ ખિન્ન થયાં નહિ, પણ મોટો આનંદ વર્તાવ્યો.

ગંગા પોતાને પિયર રહી હતી, તેવામાં આણી તરફ ઘણા બનાવો બની ગયા. મોતીલાલ ને કમળી વચ્ચે ઘણી મજબૂત નિર્મળ પ્રીતિ બાઝી, મોતીએ તેનું કોમળ હૃદય ફેરવ્યું, ને બંનેએ ફરી લગ્ન કરવું એવો નિશ્ચય કીધો. ન્યાતિલાનો ડર બંનેને હતો, ને તેથી શાસ્ત્ર શું કહે છે તેની શોધમાં મોતીલાલ પડ્યો. પણ ત્યાંથી કંઇ પણ કાંદો કાઢી આવ્યો નહિ. કમળીના ઉપરાચાપરી પત્રો આવતા હતા, ને તે વખત ખાવાને માટે ના પાડતી હતી. પણ અહિયાં થોડીક હિંમત કમ હતી, ને તેનાં કારણો મજબૂત હતાં. જ્યાંસુધી કિશોર ખરા મનથી હા પાડે નહિ, ત્યાંસુધી કંઇપણ પગલું ભરવાને મોતીલાલ કબૂલ જ નહોતો. આ બાબતની ખબર મોતીનાં માતા પિતાને પડી, ને તેઓ ઘણાં ગભરાયાં. ન્યાતની એક ઓથાર જેવી, પણ પૈસાદારની દીકરી સાથે તેના લગ્નનું સાટું ઠોકી દેવાને તેઓ તૈયાર હતાં. પણ વખત છે ને આજકાલના છોકરાઓ માને નહિ તે ભયે મોતીલાલનો