પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
ગંગા-ગુર્જર વાર્તા

લેવાનો હતો, ને તેટલા માટે પોતાને જોઈએ તે પ્રમાણે મોટું ઘર લીધું હતું. આ બાબત સૂરત કાગળ લખ્યો કે લલિતા શેઠાણી ગુસ્સે થયા “શું હું તે રંડાના હાથ નીચે જઇને રહીશ ?” એમ ગુમાન આણીને ના પાડી. કમળીની મરજી ઘણીએ જવાની હતી, પણ તેનું બાપડીનું ચાલે શું ? વેણીલાલને માથે હોકો ટોકો રહ્યો નહિ તેથી તે સ્વચ્છંદી બન્યો હતો; ને પોતાની મા જેમ શીખવે તેમ જ વર્તતો હતો. કમળીએ ઘણીક વેળાએ પોતાની પ્રિય ભાભીને પોતાને મુંબઇ તેડાવી લેવાને પત્ર લખ્યો, પણ અફસોસ ! તે બિચારીના દુઃખનો અંત આવ્યો નહિ. જો તેમ એ કરત તો ઘરમાં મોટું રમખાણ થાત ને જે કજિયો બંધ પડ્યો હતો તે પાછો સજીવન થતાં સહુને દુઃખ ઉત્પન્ન થાત.

ગંગાને પોતાના નવા ઘરમાં દાખલ થવાને એક મહિનો વીતી ગયો છે. કિશોરલાલનું નવું ઘર આજે નંદનભુવન જેવું થયું છે. ઘરમાં સર્વ સ્થળે આનંદ વ્યાપી રહ્યો છે. દરેક સ્થળની ખૂબીઓ બદલાઇ ગઇ છે. ચાકરનફરો પોતાની શેઠાણીની આજ્ઞા પ્રમાણે ઘરની વ્યવસ્થા રાખે છે. કિશેાર પોતે પણ પોતાના ધંધામાં સારી રીતે કમાય છે ને દંપતી સર્વ પ્રકારે સુખી છે. મોહનચંદ્રના ઘરમાં વડીલો ને તેમાં બીજાં બધાં કરતાં પેલાં કર્કશા સાસુજીનો ઘણો ભય હોવાથી ગંગાથી પોતાના આખા ઘરની જોઇયે તેવી વ્યવસ્થા થઇ નહિ, પણ અહિંયા તો એવા પ્રકારે ગોઠવણ કરવામાં આવી હતી કે કોઇ અંગ્રેજ સ્ત્રીપુરુષને પણ તે વ્યવસ્થા જોઇને ઈર્ષા આવે. ગંગા સર્વ સાફસફ ને ચોખ્ખું રાખવાને ઇચ્છતી હતી ને ઈશ્વરકૃપાએ તે માટેનાં સઘળાં સાધનો તેને મળ્યાં હતાં. પેહેલે તેણે પોતાના મનની સઘળી ધારણા મનમાં જ સમાવી હતી, પણ હવે સઘળી ઇચ્છા બર આણવાનો સારો સમય આવ્યો હતો.

સામાન્ય રીતે એક હિંદુનું ઘર એ તો જાણે, મલેચ્છખાનું જ કહો ! કોઇ પણ ઠેકાણે જરા જેટલી વ્યવસ્થા નહિ. ટેબલ હોય તો ખુરસીનું ઠેકાણું નહિ, ખુરસી ટેબલ બંને સારાં મળ્યાં તો દરેકપર દોઢ દોઢ મણ ધૂળ નહિ